


- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં અમદાવાદના શેલા ખાતે ‘શ્રી નિત્ય શાંતિ ભવન’નું લોકાર્પણ સંપન્ન
અમદાવાદ, 27 જૂન (હિ.સ.) : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના શેલા ખાતે નવનિર્મિત ‘શ્રી નિત્ય શાંતિ ભવન’ના લોકાર્પણ મહોત્સવમાં સહભાગી થયા હતા. મુખ્યમંત્રીએ આ નૂતન ભવનના જિન-ચૈત્યમાં બિરાજમાન પ્રાચીન મુનિસુવ્રતસ્વામી પ્રભુના આશીર્વાદ મેળવી, રાજ્યની જનતાની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.
રાષ્ટ્રસંત પદ્મસાગરસૂરિશ્વર મહારાજાની નિશ્રામાં વિધિવિધાન સાથે આયોજિત આ કાર્યક્રમમાં શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલા પણ ઉપસ્થિત રહ્યાં હતાં.
આ પ્રસંગે મુખ્યમંત્રીએ આધુનિકતા અને ભૌતિક સમૃદ્ધિના યુગમાં આધ્યાત્મિકતાને જ સાચી માનસિક શાંતિની ચાવી ગણાવી હતી. તેમણે કહ્યું કે આધ્યાત્મિકતા અને આધુનિકતાના સમન્વય થકી જ લોકકલ્યાણનો નવો રાહ કંડારી શકાશે.
આચાર્યદેવ પદ્મસાગર મહારાજાના માર્ગદર્શનમાં નિર્મિત આ ભવન આધુનિક સુવિધાઓ સાથે માનવતા, શાંતિ અને જીવદયાનું નવું ચેતના કેન્દ્ર બનશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રીશ્રી વ્યક્ત કર્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સુશાસનનાં ૧૨ વર્ષ વિશે વાત કરતાં તેમણે કહ્યું કે દેશમાં ‘વિકાસ ભી, વિરાસત ભી’ના મંત્ર સાથે પ્રગતિ થઈ રહી છે. સોમનાથ સ્વાભિમાન પર્વથી લઈને ભારતીય સંસ્કૃતિના ગૌરવને વિશ્વભરમાં પુનઃસ્થાપિત કરવાનું ઐતિહાસિક કાર્ય વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં સાકાર થયું છે.
જૈન ધર્મના સેવા અને જીવદયાનાં મૂલ્યો પર ભાર મૂકતાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે જૈન સમાજમાં હજારો વર્ષોથી જનસેવાનો અનેરો મહિમા રહ્યો છે. વડાપ્રધાનશ્રીના હસ્તે ગાંધીનગરના કોબામાં તાજેતરમાં જ લોકાર્પિત થયેલા સંપ્રતિ મ્યુઝિયમ વિશે વાત કરી, તેમણે કહ્યું કે વડાપ્રધાનએ પાલી અને પ્રાકૃત ભાષાઓને ‘ક્લાસિકલ લેંગ્વેજ’નો દરજ્જો આપીને જૈન સાહિત્યના અમૂલ્ય ગ્રંથોનું રક્ષણ કરવાનું ભગીરથ કાર્ય કર્યું છે.
મુખ્યમંત્રીએ વડાપ્રધાનએ આપેલાં પાણી બચાવવું, સ્વચ્છતા, લોકલ ફોર વોકલ અને પ્રાકૃતિક ખેતી જેવા સંકલ્પોને જીવનશૈલી બનાવવાનું આહવાન કર્યું હતું. તેમણે સાધુ-ભગવંતોના આશીર્વાદ સાથે સૌને સાથે મળીને ‘વિકસિત ભારત @૨૦૪૭’ના નિર્માણ માટે કટિબદ્ધ થવા અનુરોધ કર્યો હતો.
રાષ્ટ્રસંત પૂ. પદ્મસાગરસૂરિશ્વરજી મહારાજાએ તેમના આશીર્વચનમાં ઐતિહાસિક ઉદાહરણો અને પ્રાચીન પ્રસંગો દ્વારા દાન, પરોપકાર અને જીવદયાનો મર્મ સમજાવ્યો હતો. તેમણે સૌને કર્મબંધનથી છૂટવા માટે ત્યાગ, સમર્પણ અને ગરીબો-જરૂરિયાતમંદોની સેવા દ્વારા સંપત્તિના સદુપયોગનો માર્ગ અપનાવવાનો બોધ આપ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, આ નવનિર્મિત ભવનમાં ભવ્ય પ્રભુચૈત્ય ઉપરાંત સાધુ-સાધ્વીજીઓ માટે ઉપાશ્રય, વ્યાખ્યાન હૉલ, આયંબિલશાળા, બાળકો અને યુવાનો માટે પાઠશાળા તથા જ્ઞાનશાળા, યાત્રાળુઓ માટે ધર્મશાળા અને સુકૃતશાળા સહિતની આધુનિક સગવડો ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
આ પ્રસંગે આયોજક વોરા પરિવારના સભ્યો, રાષ્ટ્રીય વ્યાપાર કલ્યાણ બોર્ડના ચેરમેન સુનીલ સિંધી, વિવિધ જૈન સંઘના અગ્રણીઓ, શ્રેષ્ઠીઓ તેમજ મોટી સંખ્યામાં શ્રાવક-શ્રાવિકાઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ