

પાટણ, 28 જૂન (હિ.સ.) પાટણ જિલ્લાના હાજીપુર ગામે લગ્નના વરઘોડા દરમિયાન હુમલાની ઘટના સામે આવી છે. ફરિયાદ મુજબ, ઠાકોર સમાજના મહોલ્લામાંથી વરઘોડો પસાર થતાં રામુજી ચેનાજી ઠાકોરે વરરાજા કૌશીકભાઈ પુનમભાઈ પટણીને ઘોડા પરથી નીચે પછાડી તેમનો સૂટ ફાડી નાખ્યો હતો.
વરરાજાને બચાવવા વચ્ચે પડેલા તેમના કાકા પ્રકાશભાઈ પટણી પર સંજયજી દીપાજી ઠાકોર અને મેહુલજી જીકાજી ઠાકોરે હુમલો કર્યો હતો. કાકી નીતાબેન તથા માતા કમુબેનને પણ માર મારવામાં આવ્યો હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે.
ફરિયાદ અનુસાર, બાદમાં રાહુલજી માનસંગજી ઠાકોર અને કૌશીકજી પકાજી ઠાકોર પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે જાતિસૂચક અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ વરરાજાના ગળામાં પહેરેલો સોનાનો દોરો ગુમ થયો હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે.
આ મામલે વરરાજા કૌશીકભાઈ પુનમભાઈ પટણીની ફરિયાદના આધારે બાલીસણા પોલીસે રામુજી ચેનાજી ઠાકોર, સંજયજી દીપાજી ઠાકોર, મેહુલજી જીકાજી ઠાકોર, રાહુલજી માનસંગજી ઠાકોર અને કૌશીકજી પકાજી ઠાકોર સામે ગુનો નોંધી વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ વિનોદકુમાર અજુભાઈ રથવીને સોંપી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ