





વડોદરા , 28 જૂન (હિ.સ.) સંસ્કારી નગરી વડોદરામાં આજકાલ સોશિયલ મીડિયા પર સસ્તી લોકપ્રિયતા અને લાઈક્સ મેળવવા માટે રીલ બનાવવાનું ભૂત યુવાપેઢીના માથે એ રીતે સવાર થયું છે કે તેઓ કાયદા અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાવી રહ્યા છે. આવી જ એક ચોંકાવનારી અને બેદરકારીભરી ઘટના શહેરના અતિ વ્યસ્ત એવા એમ. જી. રોડ પર આવેલા ઐતિહાસિક લહેરીપુરા ગેટ પાસે સામે આવી છે. અહીં કેટલાક યુવકો દ્વારા ચાલુ રસ્તા પર ટ્રાફિકને પોતાની મનમાની રીતે ડાયવર્ટ કરીને રીલ અને ફોટોશૂટ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થતાં જ ભારે હોબાળો મચી ગયો છે.જાહેર માર્ગ પર રીલબાજોની મનમાનીવાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે લહેરીપુરા ગેટની નીચેથી પસાર થતા ધમધમતા વાહન વ્યવહાર વચ્ચે આ યુવકો રસ્તાની વચ્ચે ઊભા રહી ગયા હતા. રીલ અને પ્રોફેશનલ ફોટોશૂટ સારી રીતે થઈ શકે તે માટે તેઓએ આવતા-જતા વાહનોને રોકી દીધા હતા અને ટ્રાફિકને અન્ય તરફ ફંટાવવાનો (ડાયવર્ટ કરવાનો) પ્રયાસ કર્યો હતો. આ હરકતને કારણે કલાકો સુધી રસ્તા પર વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હતી અને સામાન્ય નાગરિકો ભારે હાલાકીમાં મુકાયા હતા.જનતામાં ભારે રોષ અને તંત્ર સામે સવાલોઆ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ વડોદરાના સ્થાનિક રહીશો અને નેટીઝન્સમાં ભારે આક્રોશ ફેલાયો છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે, જાહેર માર્ગો પર આ પ્રકારે ટ્રાફિક ડાયવર્ટ કરવાની આ રીલબાજોને મંજૂરી કોણે આપી? શું વડોદરા પોલીસનો કોઈ ખોફ જ નથી રહ્યો? ચાલુ રસ્તે સામાન્ય નાગરિકોને હેરાન કરીને પોતાના શોખ પૂરા કરતા આવા તત્વો સામે કડક કાયદાકીય પગલાં લેવાવા જોઈએ તેવી માંગ ઉઠી છે.અગાઉ પણ વડોદરાના વિવિધ વિસ્તારો જેવા કે વાઘોડિયા ચોકડી પર જોખમી સ્ટંટના વીડિયો સામે આવી ચૂક્યા છે. હવે આ લેટેસ્ટ વીડિયો બાદ વડોદરા શહેર ટ્રાફિક પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે આ યુવકોની ઓળખ કરી તેમની સામે જાહેર જનતાને ન્યુસન્સ ઊભું કરવા બદલ કડક કાર્યવાહી કરે છે કે કેમ, તે જોવું રહ્યું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ