
ગીર સોમનાથ, 28 જૂન (હિ.સ.) સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવતા યાત્રિકોના સ્વાસ્થ્ય, સુવિધા અને સુરક્ષાને સોમનાથ ટ્રસ્ટ હંમેશા સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે. તાજેતરમાં ટ્રસ્ટ હસ્તકના હાટ બજાર વિસ્તારમાં આવેલ એક ખાનગી વેપારીની દુકાન 'શિવશક્તિ રેસ્ટોરન્ટ' માંથી નાસ્તો કર્યા બાદ રાજસ્થાનના જયપુરથી દર્શને આવેલ એક પ્રવાસી પરિવારના બાળકો, ફૂડ પોઇઝનિંગ થયાની ઘટના સામે આવી હતી.
આ ઘટનાની જાણ સોમનાથ ટ્રસ્ટના વહીવટી તંત્રને થતાં જ, યાત્રિકોના આરોગ્યને લગતી આ ગંભીર બેદરકારી સામે ઝીરો ટોલરન્સ નીતિ અપનાવીને સત્વરે દાખલારૂપ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ટ્રસ્ટ દ્વારા આકરી કાર્યવાહી કરતા, ખરાબ ગુણવત્તાનો ખોરાક પીરસવા બદલ જવાબદાર વેપારીને નોટિસ પાઠવીને તેમની દુકાનો ગત રાત્રે જ તાત્કાલિક અસરથી સીલ કરી દેવામાં આવી છે.
સોમનાથ ટ્રસ્ટ સ્પષ્ટપણે માને છે કે, પવિત્ર યાત્રાધામમાં આવતા કોઈપણ યાત્રિકના સ્વાસ્થ્ય સાથે ચેડાં સાંખી લેવામાં આવશે નહીં.
આ કડક કાર્યવાહી દ્વારા ટ્રસ્ટ હસ્તકના હાટ બજાર અને અન્ય એકમો અને તમામ ખાનગી ખાન-પાનના એકમોને પણ સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યા છે કે, તેઓ ખાદ્યપદાર્થોની શુદ્ધતા અને સ્વચ્છતાના ધોરણોનું ચુસ્તપણે પાલન કરે. ભવિષ્યમાં આવી કોઈપણ બેદરકારી સામે આવશે તો ટ્રસ્ટ દ્વારા આકરી વહીવટી કાર્યવાહી કરવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ