
કચ્છ, 28 જૂન (હિ.સ.) : ભુજ શહેરમાં જમીનના કરોડો રૂપિયાના સોદાને લઈને વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. ભુજના પ્રમુખસ્વામીનગર વિસ્તારમાં રહેતા જમીન દલાલ મહમદ રફીક હાજી ખોજાએ, પત્રી ગામની વેજીબેન વાલજી ચાડ તથા વાંકી પત્રીના ખોજા પરિવારના ચાર સભ્યો સામે કુલ રૂ. 1.39 કરોડની છેતરપિંડી અને વિશ્વાસઘાત આચર્યાનો ગંભીર આક્ષેપ કરતાં, પ્રાગપર પોલીસ મથકે આજે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે ગુનો દાખલ કરી સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.
ફરિયાદ મુજબ વાંકી ગામની રેવન્યૂ સર્વે નં. 368 હેઠળ આવેલી અંદાજે 22 એકર 4 ગુંઠા જમીન જોહરાબાઈ અમીરઅલી ખોજા, અમીન અમીરઅલી ખોજા, ઈરફાન અમીરઅલી ખોજા અને કરિશ્મા અમીરઅલી ખોજાના નામે નોંધાયેલી છે. આ જમીનના વેચાણને લઈને, પત્રી ગામની વેજીબેન વાલજી ચાડે અગાઉ ખોજા પરિવાર સાથે નોટરાઈઝ્ડ સાટા કરાર કર્યો હતો અને ત્યારબાદ આ જમીન વધુ કિંમતે ફરિયાદીને વેચવાનો સોદો કર્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
ફરિયાદી મહમદ રફીક હાજી ખોજા જમીન ખરીદવામાં રસ ધરાવતા હોવાથી, વેજીબેનના સંપર્કમાં આવ્યા હતા. બંને વચ્ચે પ્રતિ એકર રૂ. 13 લાખના દરે કુલ રૂ. 2.86 કરોડથી વધુનો સોદો નક્કી થયો હતો. શરૂઆતમાં ફરિયાદીએ બાનાની રકમ તરીકે રૂ. 40 લાખ રોકડ ચૂકવી સાટા કરાર કર્યો હતો. ત્યારબાદ વેજીબેનના જણાવ્યા મુજબ, બાકીની ચૂકવણી જમીનના મૂળ માલિક એવા ખોજા પરિવારને કરવાની હતી.
ફરિયાદ અનુસાર, ઈરફાન અમીરઅલી ખોજાએ પોતે અને પોતાના પરિવારને જમીનના વેચાણ અંગે કોઈ વાંધો ન હોવાનું જણાવી જરૂરી રકમ મળતા વેચાણ દસ્તાવેજ કરી આપવાની ખાતરી આપી હતી. ત્યારબાદ ફરિયાદીએ પોતાના ભાગીદાર ધીરુભા જાડેજા સાથે મળીને સોદો આગળ વધાર્યો હતો અને ઈરફાનની માંગ મુજબ લાખો રૂપિયાના ચેક તેમજ રોકડ રકમ અલગ-અલગ તબક્કે ચૂકવવામાં આવી હતી.
જ્યારે વેચાણ દસ્તાવેજ માટે તારીખ નક્કી કરવામાં આવી ત્યારે અખબારમાં પ્રકાશિત જાહેર નોટિસથી સમગ્ર મામલાએ નવો વળાંક લીધો હતો. ઈરફાનની ફોઈ દિલશાદબેને આ જમીન વડીલોપાર્જિત મિલકત હોવાનું જણાવી તેમાં પોતાના વારસાઈ હક્કનો દાવો કર્યો હતો અને કોઈપણ વ્યક્તિ જમીનનો વ્યવહાર કરશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ચેતવણી આપી હતી.
આ અંગે ફરિયાદીએ ઈરફાનનો સંપર્ક કરતાં તેણે વારસાઈ વિવાદ સમાધાન કરી દેવાની ખાતરી આપી હતી. ત્યારબાદ અનેક વખત અલગ-અલગ બહાનાં બનાવી ફરિયાદી પાસેથી વધુ નાણાં લેવામાં આવ્યા હતા. ફેબ્રુઆરી 2026 દરમિયાન પણ ફોઈ સાથે સમાધાન થઈ ગયું હોવાનું કહી ફરિયાદીને વિશ્વાસમાં લેવામાં આવ્યો હતો અને વધુ રકમ પડાવવામાં આવી હતી.
ફરિયાદ મુજબ આરોપીઓએ સતત ખોટા વાયદા કરીને કુલ રૂ. 1.39 કરોડની રકમ વિવિધ રીતે મેળવી લીધી હતી. અંતે વેચાણ દસ્તાવેજ કરવાની જગ્યાએ સોદાના નફામાં ભાગ આપશો તો જ દસ્તાવેજ કરીશું તેવી નવી શરત મૂકી દસ્તાવેજ કરવાનો ઇનકાર કર્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
ફરિયાદીએ પોલીસ સમક્ષ ચેક, બેંક ટ્રાન્ઝેક્શન, રસીદો તથા અન્ય નાણાકીય દસ્તાવેજો સહિતના પુરાવા રજૂ કર્યા છે. તેના આધારે પ્રાગપર પોલીસે પત્રી ગામની વેજીબેન વાલજી ચાડ, જોહરાબાઈ અમીરઅલી ખોજા, અમીન અમીરઅલી ખોજા, ઈરફાન અમીરઅલી ખોજા અને કરિશ્મા અમીરઅલી ખોજા સામે વિશ્વાસઘાત અને છેતરપિંડી સહિતની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે ફરિયાદમાં આરોપી તરીકે નામજોગ દર્શાવાયેલી વેજીબેન વાલજી ચાડ સામે અગાઉ ખૂન, અપહરણ, ખૂનના પ્રયાસ, એટ્રોસિટી સહિતના વિવિધ ગંભીર ગુનાઓમાં આરોપી તરીકે નામ સામે આવી ચૂક્યું હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જોકે, આ તમામ કેસોમાં અંતિમ ન્યાયિક નિર્ણય શું આવ્યો છે તેની માહિતી ફરિયાદમાં ઉપલબ્ધ નથી. બીજી તરફ, હાલ નોંધાયેલી છેતરપિંડીની ફરિયાદમાં નામ આવેલા અન્ય આરોપીઓ સામે કોઈ પૂર્વ ગુનાહિત ઇતિહાસનો ઉલ્લેખ ફરિયાદમાં કરવામાં આવ્યો નથી.
હાલ સમગ્ર પ્રકરણમાં પ્રાગપર પોલીસ નાણાકીય વ્યવહારો, દસ્તાવેજી પુરાવા અને તમામ પક્ષોના નિવેદનોના આધારે વધુ તપાસ ચલાવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar