
મહેસાણા, 28 જૂન (હિ.સ.)મહેસાણા જિલ્લાના સાંથલ પોલીસ સ્ટેશન વિસ્તારના કટોસણ ગામમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)એ સફળ કાર્યવાહી કરીને રહેણાંક મકાનમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ ₹2,90,396ના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી છે.
એલસીબીને ખાનગી બાતમી મળી હતી કે, કટોસણ ગામના ઢુકડો દરબારવાસમાં રહેતો ઝાલા મહાવીરસિંહ ઉર્ફ અનુભા છનુભા કેશરીસિંહ (ઉંમર 39) પોતાના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂ સંતાડી રાખે છે. બાતમીના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. કામળીયાના માર્ગદર્શન હેઠળ PSI બી.એ. પરમાર સહિતની ટીમે 27 જૂન 2026ના રોજ પંચોની હાજરીમાં દરોડો પાડ્યો હતો.
દરોડા દરમિયાન મકાનમાંથી 28 પેટીમાં ભરેલી કુલ 1056 બોટલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ, જેની કિંમત ₹2,85,396, તેમજ એક મોબાઇલ ફોન કિંમત ₹5,000 મળી આવ્યો હતો. પોલીસે કુલ ₹2,90,396નો મુદ્દામાલ કબજે કરીને આરોપીની ધરપકડ કરી હતી.
આરોપી સામે પ્રોહિબિશન એક્ટની કલમ 65(એ), 65(ઈ) અને 116(બી) હેઠળ સાંથલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પ્રોહિબિશન સંબંધિત ગુનાઓ સામે એલસીબી દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR