
મહેસાણા, 28 જૂન (હિ.સ.)મહેસાણા ખાતે આજે પલ્સ પોલિયો અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો હતો. અભિયાન અંતર્ગત 0થી 5 વર્ષના તમામ બાળકોને પોલિયોના બે ટીપાં પીવડાવી તેમને પોલિયો જેવી ગંભીર બીમારીથી સુરક્ષિત રાખવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ **બે ટીપાં જિંદગીના, પોલિયોમુક્ત ભારતના**ના સંદેશ સાથે વાલીઓને પોતાના બાળકોને પોલિયોની રસી અચૂક પીવડાવવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે પોલિયોના સંપૂર્ણ ઉન્મૂલન માટે દરેક બાળક સુધી રસી પહોંચે તે અત્યંત જરૂરી છે અને તેમાં સમાજના દરેક વર્ગનો સહયોગ જરૂરી છે.
આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લામાં વિવિધ પોલિયો બૂથો ઉભા કરવામાં આવ્યા છે તેમજ જરૂરિયાત મુજબ આરોગ્યકર્મીઓ દ્વારા, ઘરેઘરે જઈને પણ બાળકોને પોલિયોના ટીપાં પીવડાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે.
અધિકારીઓએ વાલીઓને અપીલ કરી હતી કે, 0થી 5 વર્ષના કોઈપણ બાળકને પોલિયોના ટીપાં પીવડાવવાનું ચૂકતા નહીં. દરેક બાળકને સમયસર રસી અપાવવાથી જ પોલિયોમુક્ત, સ્વસ્થ અને સુરક્ષિત ભારતના નિર્માણનું લક્ષ્ય સિદ્ધ થઈ શકશે. આરોગ્ય વિભાગે અભિયાનને સફળ બનાવવા સૌને સહભાગી બનવા અનુરોધ કર્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR