
મહેસાણા, 28 જૂન (હિ.સ.)મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં આજે પલ્સ પોલિયો ઇમ્યુનાઇઝેશન અભિયાનનો, ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. અભિયાનનો પ્રારંભ કડીના ધારાસભ્ય રાજેન્દ્રભાઈ ચાવડા, તાલુકા પંચાયત પ્રમુખ જીતેન્દ્રભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ રાજુભાઈ ગજ્જર, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ પ્રહલાદભાઈ પરમાર, કોર્પોરેટરો તથા સ્થાનિક આગેવાનોના હસ્તે કરવામાં આવ્યો હતો.
કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોએ બાળકોને, પોલિયોના બે ટીપાં પીવડાવી અભિયાનને ખુલ્લું મૂક્યું હતું. આ પ્રસંગે વાલીઓને 0થી 5 વર્ષના દરેક બાળકને પોલિયોની રસી અચૂક પીવડાવવા અપીલ કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે, પોલિયો સામેનું રક્ષણ માત્ર સમયસર રસીકરણથી જ શક્ય છે અને દરેક બાળક સુધી રસી પહોંચે તે સૌની જવાબદારી છે.
આરોગ્ય વિભાગ દ્વારા કડી તાલુકામાં વિવિધ પોલિયો બૂથો કાર્યરત કરવામાં આવ્યા છે. ઉપરાંત, આરોગ્ય કર્મચારીઓ દ્વારા જરૂરિયાત મુજબ ઘરેઘરે જઈને પણ બાળકોને પોલિયોના ટીપાં પીવડાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે.
કાર્યક્રમમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, સ્થાનિક આગેવાનો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ પોલિયોમુક્ત સમાજના નિર્માણ માટે દરેક પરિવારે અભિયાનમાં સક્રિય સહભાગી બનવાની અપીલ કરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR