
મહેસાણા, 28 જૂન (હિ.સ.)તેરાપંથ મહિલા મંડળ, વિજાપુર દ્વારા મહિલાઓની પ્રતિભા, સર્જનાત્મકતા અને આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપવા **‘શ્રી ઉત્સવ’**નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું ઉદ્ઘાટન મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત ધારાસભ્ય ડૉ. સી. જે. ચાવડાના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ડૉ. ચાવડાએ જણાવ્યું હતું કે, મહિલાઓને પોતાના કૌશલ્યને ઓળખ અપાવવા અને સ્વરોજગારની તકો ઉપલબ્ધ કરાવવા માટે આવા કાર્યક્રમો મહત્વપૂર્ણ સાબિત થાય છે. કાર્યક્રમમાં મહિલાઓ દ્વારા તૈયાર કરાયેલી હસ્તકલાની કૃતિઓ, ઘરગથ્થુ ઉપયોગી ચીજવસ્તુઓ, પરંપરાગત અને આધુનિક વસ્ત્રો, આર્ટ એન્ડ ક્રાફ્ટ, જ્વેલરી, ગિફ્ટ આઇટમ્સ, ફૂડ પ્રોડક્ટ્સ તેમજ વિવિધ સ્વરોજગારી ઉત્પાદનોના આકર્ષક સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા. મુલાકાતીઓએ સ્ટોલની મુલાકાત લઈ મહિલાઓના કૌશલ્યને બિરદાવ્યું અને ખરીદી કરીને તેમને પ્રોત્સાહન આપ્યું.
કાર્યક્રમમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેન્દ્રસિંહ પરમાર, રોટરી ક્લબના પ્રમુખ સંગીતાબેન પટેલ, ઉષાબેન પટેલ, શહેરના આગેવાનો, સામાજિક કાર્યકરો અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
અંતે તેરાપંથ મહિલા મંડળના અધ્યક્ષ લતા નંગાવત અને મંત્રી લીલા ચાવતેએ, જાયન્ટ્સ સહિયર ગ્રૂપ, મહેમાનો, સ્ટોલ ધારક બહેનો તથા ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપતો આ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR