
કચ્છ, 08 જૂન (હિ.સ.) : કચ્છ જિલ્લામાં ખનીજના ગેરકાયદે પરિવહન અને ઓવરલોડિંગ સામે ચાલી રહેલી ઝુંબેશને વધુ વેગ આપતાં અબડાસા તાલુકામાં વહીવટીતંત્રે મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ અબડાસા વિસ્તારમાં કરવામાં આવેલી ચકાસણી દરમિયાન બ્લેકટ્રેપ ખનીજનું નિયમો કરતાં વધુ પ્રમાણમાં વહન કરતો એક ડમ્પર ટ્રક ઝડપાયો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર, નાયબ કલેક્ટર ચેતન પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ નલીયા નજીક આવેલા વીર અબડાદાદા ચાર રસ્તા વિસ્તારમાં વાહન ચેકિંગ દરમિયાન બ્લેકટ્રેપ ખનીજ ભરેલો એક ડમ્પર ટ્રક રોકી તેની દસ્તાવેજી તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ટ્રક સાથે જોડાયેલા રોયલ્ટી પરમિટ તેમજ વજનકાંટાની વિગતોની ચકાસણી કરતાં વાહનમાં મંજૂર મર્યાદા કરતાં 9.3 મેટ્રિક ટન વધુ ખનીજ ભરાયેલ હોવાનું સામે આવ્યું હતું. ઓવરલોડિંગની પુષ્ટિ થતાં મામલતદાર અબડાસાની ટીમને સ્થળ પર જ કાયદેસરની કાર્યવાહી માટે જવાબદારી સોંપવામાં આવી હતી. ત્યારબાદ ટ્રક અને તેમાં ભરેલા બ્લેકટ્રેપ ખનીજને જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
અધિકારીઓના જણાવ્યા મુજબ જપ્ત કરાયેલા ટ્રક અને ખનીજની કુલ અંદાજિત કિંમત રૂ. 10.10 લાખથી વધુ થાય છે. સમગ્ર મુદ્દામાલ કબજે લઈ તેને નલીયા પોલીસ સ્ટેશનના હવાલે કરવામાં આવ્યો છે. આ કાર્યવાહીથી ખનીજના ગેરકાયદે પરિવહન કરતા તત્વોમાં ચિંતા ફેલાઈ છે, જ્યારે નિયમોના પાલન માટે વહીવટીતંત્રની કડક વલણની સ્પષ્ટ ઝલક જોવા મળી છે.
જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ખનીજ સંપત્તિના સંરક્ષણ તેમજ ગેરકાયદે ખનન અને પરિવહન પર નિયંત્રણ લાવવા માટે આગામી દિવસોમાં પણ આવી સઘન તપાસ અને કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar