
મહેસાણા, 08 જૂન (હિ.સ.) : મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખી શહેરના રાધનપુર રોડ વિસ્તારમાં વરસાદી પાણીના સરળ અને ઝડપી નિકાલ માટે વિશેષ સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી છે. આ અંતર્ગત વિસ્તારમાં આવેલી 20 વરસાદી પાણીની કૂંડીઓની સફાઈ કરવામાં આવી રહી છે. કોર્પોરેશનની ટીમ દ્વારા કૂંડીઓમાં જમા થયેલી માટી, કચરો, પ્લાસ્ટિક અને અન્ય અવરોધરૂપ સામગ્રી દૂર કરવામાં આવી રહી છે, જેથી વરસાદી પાણીનો પ્રવાહ અવરોધ વિના આગળ વધી શકે. ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યા સર્જાય નહીં અને માર્ગો પર વાહન વ્યવહાર તેમજ લોકોની અવરજવરમાં કોઈ મુશ્કેલી ન પડે તે હેતુથી આ કામગીરી કરવામાં આવી રહી છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે શહેરના વિવિધ વિસ્તારોમાં પણ વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા માટે સમયાંતરે સફાઈ અને જાળવણીની કામગીરી કરવામાં આવી રહી છે. રાધનપુર રોડ વિસ્તાર શહેરના મુખ્ય માર્ગોમાંનો એક હોવાથી અહીં ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે.
મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશને નાગરિકોને જાહેર સ્થળો પર કચરો ન ફેંકવા અને વરસાદી પાણીના નિકાલના સ્ત્રોતોને સ્વચ્છ રાખવામાં સહયોગ આપવા અપીલ કરી છે. કોર્પોરેશન દ્વારા ચોમાસા પૂર્વે શહેરમાં જરૂરી પૂર્વ તૈયારીઓ કરી નાગરિકોને સુવિધા પૂરી પાડવાના પ્રયાસો સતત ચાલુ રાખવામાં આવ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR