
વાપી, 08 જૂન (હિ.સ.) વાપી શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી વારંવાર થતા વીજકાપને કારણે સ્થાનિક રહેવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વિસ્તારના લોકો રાત્રિના સમયે લાંબા સમય સુધી વીજ પુરવઠો ખોરવાતા મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ દિવસ દરમિયાન પણ વીજ પુરવઠામાં વિક્ષેપ સર્જાય છે, પરંતુ રાત્રિના સમયે કલાકો સુધી વીજળી ગુલ રહેતાં પરિવારોને ઊંઘ અને દૈનિક જીવનમાં ભારે તકલીફ પડી રહી છે. ઉનાળાની ગરમીમાં વૃદ્ધો, બાળકો તેમજ નોકરીયાત વર્ગ સૌથી વધુ પ્રભાવિત થઈ રહ્યો છે.
રહેવાસીઓએ અનેક વખત DGVCLના હેલ્પલાઈન નંબર પર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હોવા છતાં “ટેક્નિકલ ફોલ્ટ” હોવાનું કહીને જવાબ આપવામાં આવે છે. જોકે ફોલ્ટ ક્યાં છે, ક્યારે દૂર થશે અને વીજ પુરવઠો ક્યારે નિયમિત બનશે તે અંગે સ્પષ્ટ માહિતી આપવામાં આવતી નથી. જેના કારણે લોકોમાં અસંતોષ વધી રહ્યો છે.
ગુરુવારે રાત્રે આશરે 12:40 વાગ્યે વીજ પુરવઠો બંધ થયો હતો અને સવારે 6:40 વાગ્યે ફરી શરૂ થયો હતો. ત્યારબાદ થોડા સમય પછી ફરી વીજકાપ થતા લોકોમાં રોષ વધુ વધ્યો હતો. ટેક્સ્ટ મેસેજ દ્વારા વીજકાપની જાણ કરવામાં આવે છે, પરંતુ ઘણીવાર પૂર્વ તૈયારી વગર અચાનક વીજ પુરવઠો બંધ થતો હોવાનો આક્ષેપ પણ રહેવાસીઓ કરી રહ્યા છે.
વિસ્તારના રહેવાસીઓએ ચેતવણી આપી છે કે જો આગામી દિવસોમાં વીજકાપની સમસ્યાનું કાયમી નિરાકરણ નહીં આવે તો DGVCL કચેરી ખાતે વિરોધ નોંધાવી ઉચ્ચ અધિકારીઓ સમક્ષ રજૂઆત કરવામાં આવશે. સતત વીજકાપથી ત્રસ્ત લોકો હવે ઝડપી અને અસરકારક ઉકેલની માંગ કરી રહ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha