




પોરબંદર, 16 જુલાઈ (હિ.સ.)અષાઢી બીજના પાવન અવસરે પોરબંદર શહેરમાં સમસ્ત ખારવા સમાજ દ્વારા પરંપરાગત રામદેવજી મહાપ્રભુજીની પાલખી શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ખારવા પંચાયતના નિજ મંદિરેથી પ્રસ્થાન કરેલી શોભાયાત્રા શહેરના સુદામા ચોક, શીતળા ચોક, કસ્તુરબા ગાંધી રોડ, જશુભાઈ શિયાળ રોડ અને પાલાના ચોક સહિતના મુખ્ય માર્ગો પરથી ભક્તિભાવ સાથે પસાર થઈ પુનઃ નિજ મંદિરે પહોંચી હતી. શોભાયાત્રામાં કરાટે, સ્કેટિંગ, પરંપરાગત ગરબા, તલવાર રાસ સહિતના વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. ઉપરાંત રામદેવજી મહારાજના જીવનપ્રસંગો દર્શાવતા આકર્ષક ટેબ્લો અને બે પાલખીઓ પણ શોભાયાત્રાનું મુખ્ય આકર્ષણ બન્યાં હતા. મોટી સંખ્યામાં ભાવિકોએ પાલખીના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. નિજ મંદિરે પહોંચ્યા બાદ રામદેવજી મહાપ્રભુજીની મહાઆરતી, પરંપરાગત ધામધૂપ અને પૂજનવિધિ ભક્તિમય વાતાવરણમાં સંપન્ન થઈ હતી. ત્યારબાદ સાંજે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ખારવા સમાજના વાણોટ કાંતિભાઈ બાદરશાહી સહિત સમાજના આગેવાનો, વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ તથા અન્ય સમાજોના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પ્રસંગે કાંતિભાઈ બાદશાહનું ફૂલહાર પહેરાવી સન્માન પણ કરવામાં આવ્યું હતું. સમસ્ત ખારવા સમાજ દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આયોજિત આ શોભાયાત્રાએ સમગ્ર શહેરમાં ધાર્મિક અને ભક્તિમય માહોલ સર્જ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya