
જુનાગઢ 21 જુલાઈ (હિ.સ.)
જૂનાગઢ,તા. ૨૧ જૂનાગઢ જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા માળીયાહાટીના તાલુકાના ગડુ ખાતે સાગર એકેડેમી કેમ્પસમાં નોકરીદાતાઓ તથા રોજગારવાચ્છું વચ્ચે સેતુરૂપ બનવાના આશ્રયથી ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ ભરતીમેળામાં માળીયા, માંગરોળ તાલુકાના ૧૮૦૦થી વધુ ઉમેદવારોને ઈ-મેઇલ અને સોશિયલ મિડિયાના જુદા-જુદા માધ્યમથી ઈન્ટરવ્યું પ્રક્રિયા માટે બોલાવવામાં આવ્યા હતા. જેમાંથી કુલ ૪૦ થી વધુ ઉમેદવારો હાજર રહયા હતા.
આ ભરતીમેળામાં ઉપસ્થિત તમામ નોકરીદાતાઓ ઓસીયસ સર્જીકલ-મોરબી, મયુર વોવિંગ પ્રા.લી. ખાત્રજ કલોલ, બિ.એમ. એન્ટરપ્રાઇઝ-ગાંધીધામ તથા એસ.બી.આઇ. લાઇફ ઇન્શ્યોરન્શ કંપની કેશોદ બ્રાંચ ઉક્ત તમામ નોકરીદાતા દ્વારા ખાલી રહેલ જગ્યા તેમજ મહેનતાણુ અન્ય લાભો અને સુવિધાઓથી ઉમેદવારોને માહિતગાર કર્યા હતા. આ કુલ ચાર નોકરીદાતાઓ દ્વારા ઉમેદવારો માટે ઈન્ટરવ્યું પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં હાજર રહેલ પૈકી ૨૪ જેટલા ઉમેદવારોના શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અનુભવ તથા આવડતના આધારે રોજગાર વાંચ્છુંઓની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી. તદ ઉપરાંત રોજગાર કચેરીના અધિકારી/કર્મચાર દ્વારા રોજગાર કચેરીની વિવિધ સેવાઓ, જેમા મુખ્ય એમ્પ્લોયમેંટ કાર્ડ રજીસ્ટ્રેશન, નિવાસી તાલીમ યોજના, આગામી માસમાં યોજાનાર ભરતીમેળા, પી.એમ.ઇન્ટર્નશીપ યોજના, તેમજ પ્રધાનમંત્રી વિકસીત ભારત રોજગાર યોજનાથી ઉમેદવારો તેમજ નોકરીદાતાઓને માહિતગાર કરવામાં આવ્યા હતા તેમજ ઉપસ્થિત રોજગારવાંચ્છુ ઉમેદવારોને મોટીવેશન આપી કારકિર્દી માર્ગદર્શન કરવામાં આવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ