
અમદાવાદ,21 જુલાઇ (હિ.સ.) ગુજરાત યુનિવર્સિટીના વિવાદિત નિવૃત પ્રોફેસરને યુનિવર્સિટીમાં પ્રવેશબંધી, છતાં મહેકમ વિભાગમાં લટાર મારતા હોવાના CCTV પણ સામે આવ્યા છે,
ગુજરાત યુનિવર્સિટીના વિવાદિત પ્રોફેસર પ્રદીપ પ્રજાપતિની યુનિવર્સિટીમાં ફરીથી એન્ટ્રીને લઈને માહોલ ગરમાયો છે. પ્રદીપ પ્રજાપતિને યુનિવર્સિટીમાં પ્રવેશ બંધી તથા તેમનું પેન્શન અટકાવવા શિક્ષણ વિભાગે આદેશ કર્યા છે. છતાં યુનિવર્સિટી દ્વારા તેનું પાલન કરવામાં આવ્યું નથી. આ ઉપરાંત પ્રદીપ પ્રજાપતિ સામે નાણાકીય ઉચાપતનો કેસ હોવા છતાં તેઓ યુનિવર્સિટીના મહેકમ વિભાગમાં લેટર મારતા હોવાના CCTV પણ સામે આવ્યા છે, જેને લઈને અન્ય પ્રોફેસર દ્વારા ફરિયાદ કરવામાં આવી છે.
ગુજરાત યુનિવર્સિટીના સમાજવિદ્યા ભવનમાં ફરજ બજાવતા વિપુલ પટેલે યુનિવર્સિટીને ફરિયાદ કરી છે, જેમાં નિવૃત્ત પ્રોફેસર પ્રદીપ પ્રજાપતિ પર આક્ષેપ કરવામાં આવ્યા છે. પ્રદીપ પ્રજાપતિ સામે ભૂતકાળમાં વિદ્યાર્થીઓની ફીના નાણાંની ઉચાપત કરવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ ઉપરાંત પ્રદીપ પ્રજાપતિ સામે અન્ય પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે. છતાં પ્રદીપ પ્રજાપતિ યુનિવર્સિટીમાં આવીને પુરાવાનો નાશ કરવાનું તથા સાક્ષીઓને ધમકાવવાનો પ્રયાસ કરતા હોય તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે.
એટલું જ નહીં પ્રદીપ પ્રજાપતિના ફરિયાદને લઈને શિક્ષણ વિભાગ દ્વારા પણ યુનિવર્સિટીને ગત વર્ષે તેમનું પેન્શન અટકાવવા અને યુનિવર્સિટીમાં પ્રવેશ બંધી કરવા માટે આદેશ કરવામાં આવ્યો હતો. છતાં પ્રદીપ પ્રજાપતિ મહેકમ વિભાગમાં આવીને અડધો કલાકથી વધુ સમય બેઠા હતા. જે અંગેના સીસીટીવી ફૂટેજ પણ છે. પ્રદીપ પ્રજાપતિ મહેકમ વિભાગમાં કોને મળવા આવ્યા હતા તે અંગે તપાસ સમિતિ રચીને તપાસ કરી ખુલાસો માંગવામાં આવે તેવી પણ માંગણી કરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ