


યોગ્ય વળતર ન મળતાં પરિવારે ગેટ આગળ ધરણાં કર્યાં
મેનેજમેન્ટ વળતર આપવાનું વચન આપી ફરી ગયું જેને લીધે પરિવારમાં આક્રોશ જોવા મળ્યો
ભરૂચ 21 જુલાઈ (હિ.સ.)
અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી એસપીસી લાઇફસાયન્સિસ કંપનીમાં એક કામદારનું મોત થતાં ભારે ચકચાર મચી જવા પામી છે. આ ઘટના બાદ મૃતકના પરિવારજનોએ કંપની સંચાલકો સામે ગંભીર આક્ષેપ કર્યા છે કે કંપની દ્વારા તેમને યોગ્ય વળતર ચૂકવવામાં આવી રહ્યું નથી. વળતર ન મળતાં આક્રોશે ભરાયેલા પરિવારજનો અને સ્થાનિક આગેવાનો આજે કંપનીના મુખ્ય ગેટ આગળ વિરોધ પ્રદર્શન કરી ધરણા પર બેસી ગયા હતા.
મૃતકના પરિવારજનોનું કહેવું છે કે, ઘટના બન્યા બાદ શરૂઆતમાં કંપની મેનેજમેન્ટે પરિવારને યોગ્ય આર્થિક વળતર આપવાની ખાતરી આપી હતી. પરંતુ બાદમાં મેનેજમેન્ટ પોતાની વાત પરથી ફરી ગયું છે અને વળતર આપવાનો ઇનકાર કરી રહ્યું છે.
ન્યાય ન મળે ત્યાં સુધી લડત ચાલુ રાખવાની ચીમકી આપી કંપનીના આવા બેદરકાર અને વચનભંગના રવૈયા સામે સ્થાનિક આગેવાનો પણ પરિવારના સમર્થનમાં આવ્યા છે. ગેટ આગળ ધરણા પર બેસેલા પરિવારે સ્પષ્ટ માંગ કરી છે કે જ્યાં સુધી કંપની મેનેજમેન્ટ યોગ્ય વળતર નહીં આપે અને ન્યાય નહીં મળે ત્યાં સુધી તેમનો આ વિરોધ ચાલુ રહેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ