
ભાવનગર, 16 જુલાઈ (હિ.સ.) ભાવનગર
પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠનની અધ્યક્ષા સુજાતા પાંડે આજે ભાવનગર મંડળના પ્રથમ પ્રવાસે પધાર્યા હતા. આ અવસરે પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન, ભાવનગર મંડળની અધ્યક્ષા શાલિની વર્માએ તેમને પુષ્પગુચ્છ અર્પણ કરીને આત્મીય સ્વાગત અને અભિનંદન પાઠવ્યા.
તેમના પ્રવાસ દરમિયાન શ્રીમતી સુજાતા પાંડે સૌપ્રથમ કિડ્સ હટ સ્કૂલની મુલાકાત લીધી. તેમણે શાળાની શૈક્ષણિક, સહ-પાઠ્યક્રમ તથા અન્ય પ્રવૃત્તિઓનું અવલોકન કર્યું અને ઉપલબ્ધ શૈક્ષણિક સુવિધાઓ, સ્વચ્છ અને સુવ્યવસ્થિત પરિસર તેમજ શિસ્તબદ્ધ વાતાવરણની પ્રશંસા કરી. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે થઈ રહેલા પ્રયત્નોની સરાહના કરતાં તેમણે શિક્ષકો અને સમગ્ર શાળા પરિવારને પ્રોત્સાહિત કર્યા.
ત્યારબાદ સુજાતા પાંડે દ્વારા નવ નિર્મિત બાળ ઉદ્યાનનું ફિતા કાપીને ઉદ્ઘાટન કરવામાં આવ્યું તેમજ બાલ મંદિર સ્કૂલના પુનઃનિર્મિત ભવનનું લોકાર્પણ કરીને તેને વિદ્યાર્થીઓને સમર્પિત કરવામાં આવ્યું. આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓએ દેશભક્તિ અને સાંસ્કૃતિક કાર્યક્રમોની મનમોહક રજૂઆતો કરી. સુજાતા પાંડે વિદ્યાર્થીઓની પ્રતિભા, શિસ્ત અને આત્મવિશ્વાસની મુક્તકંઠે પ્રશંસા કરી, તેમને ઉપહાર અર્પણ કર્યા તથા તેમના ઉજ્જ્વળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી.
પોતાના સંબોધનમાં સુજાતા પાંડે એ ભાવનગર મંડળ દ્વારા કરવામાં આવેલી ઉત્તમ આયોજન વ્યવસ્થા અને સુચારુ આયોજનની પ્રશંસા કરતાં જણાવ્યું કે શાળાના શિક્ષકોનું સમર્પણ અને બાળકોના સર્વાંગી વિકાસ માટે થઈ રહેલા પ્રયાસો અત્યંત પ્રેરણાદાયી છે. તેમણે જણાવ્યું કે ગુણવત્તાસભર શિક્ષણ, સારા સંસ્કાર અને સર્જનાત્મક પ્રવૃત્તિઓ બાળકોના વ્યક્તિત્વ નિર્માણ સાથે સમાજના ઉજ્જ્વળ ભવિષ્યના નિર્માણમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
આ પ્રસંગે પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન, ભાવનગર મંડળની અધ્યક્ષા શાલિની વર્માએ પોતાના સ્વાગત સંબોધનમાં શ્રીમતી સુજાતા પાંડેનું હાર્દિક સ્વાગત કરતાં વિશ્વાસ વ્યક્ત કર્યો કે તેમના કુશળ નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ મહિલા તથા બાળ કલ્યાણ સંબંધિત પ્રવૃત્તિઓને નવી દિશા, નવી ઊર્જા અને વધુ ગતિ મળશે.
સમગ્ર કાર્યક્રમ ગૌરવપૂર્ણ, ઉત્સાહભર્યા અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સફળતાપૂર્વક સંપન્ન થયો. આ અવસરે પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન, ભાવનગર મંડળની ઉપાધ્યક્ષા, સચિવ અને સમિતિની સભ્યાઓ ઉપરાંત કિડ્સ હટ સ્કૂલ અને બાલ મંદિર સ્કૂલના પ્રાચાર્ય, શિક્ષકગણ, કર્મચારીઓ, વાલીઓ તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ