
અમરેલી, 16 જુલાઈ (હિ.સ.) અમરેલી શહેરના જેસીંગપરા વિસ્તારમાં શ્રી નેજાધારી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજસેવાના આ ઉમદા કાર્યમાં રાજ્ય મંત્રી કૌશિકભાઈ વેકરીયાએ વિશેષ ઉપસ્થિતિ નોંધાવી હતી. તેમણે કેમ્પની મુલાકાત લઈને આયોજકોના પ્રયાસોની પ્રશંસા કરી તેમજ રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા.
આ પ્રસંગે મંત્રી કૌશિકભાઈ વેકરીયાએ જણાવ્યું હતું કે, રક્તદાન એ મહાદાન છે. એક યુનિટ રક્ત અનેક દર્દીઓ માટે જીવનદાયી સાબિત થઈ શકે છે. સમાજના વધુમાં વધુ લોકો સ્વૈચ્છિક રીતે રક્તદાન માટે આગળ આવે તે સમયની જરૂરિયાત છે. તેમણે યુવાનોને નિયમિત રક્તદાન કરીને માનવસેવામાં જોડાવા અપીલ પણ કરી હતી.
રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં યુવાનો, સામાજિક આગેવાનો અને સ્વયંસેવકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ટ્રસ્ટના સભ્યોએ રક્તદાતાઓનો આભાર વ્યક્ત કરી જણાવ્યું હતું કે આવા સેવાકીય કાર્યક્રમો સમાજમાં માનવતા અને પરસ્પર સહયોગની ભાવનાને મજબૂત બનાવે છે.
કાર્યક્રમ દરમિયાન મંત્રીશ્રીએ ટ્રસ્ટના કાર્યકરો સાથે મુલાકાત કરી તેમના સેવાકીય કાર્યોની સરાહના કરી હતી. સમગ્ર રક્તદાન કેમ્પ સેવા, સમર્પણ અને માનવતાના ભાવ સાથે સફળતાપૂર્વક સંપન્ન થયો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai