CDHO ડો. ભારતીબેન ધોળકીયાએ PHC લાખેણીની મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી
બોટાદ, 16 જુલાઈ (હિ.સ.)બોટાદ જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) લાખેણી ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી (CDHO) ડો. ભારતીબેન ધોળકીયાએ મુલાકાત લઈ આરોગ્ય સેવાઓની કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરી હતી. મુલાકાત દરમિયાન તેમણે આરોગ્ય કેન્દ્રમાં જાળવવામાં
મુલાકાત લેતા સીડી એચ ઓ


બોટાદ, 16 જુલાઈ (હિ.સ.)બોટાદ જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) લાખેણી ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી (CDHO) ડો. ભારતીબેન ધોળકીયાએ મુલાકાત લઈ આરોગ્ય સેવાઓની કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરી હતી. મુલાકાત દરમિયાન તેમણે આરોગ્ય કેન્દ્રમાં જાળવવામાં આવતા વિવિધ રેકોર્ડ અને રજિસ્ટરની ચકાસણી કરી કામગીરી અંગે માહિતી મેળવી હતી.

ડો. ભારતીબેન ધોળકીયાએ આરોગ્ય કેન્દ્રમાં સ્વચ્છતા વ્યવસ્થાનું પણ નિરીક્ષણ કર્યું હતું. સ્વચ્છતા અભિયાન અંતર્ગત હોસ્પિટલ પરિસર તેમજ વિવિધ વિભાગોમાં સફાઈ, દર્દીઓને ઉપલબ્ધ કરાવવામાં આવતી સુવિધાઓ અને આરોગ્ય સેવાઓની ગુણવત્તા અંગે જરૂરી સૂચનો આપ્યા હતા. તેમણે સ્વચ્છ અને સુવ્યવસ્થિત વાતાવરણ જાળવી રાખવા આરોગ્ય કર્મચારીઓને માર્ગદર્શન આપ્યું હતું.

ત્યારબાદ તેમણે આયુષ્માન આરોગ્ય મંદિર લાખેણી ખાતે યોજાયેલા મમતા દિવસ કાર્યક્રમની પણ મુલાકાત લીધી હતી. કાર્યક્રમ દરમિયાન ગર્ભવતી મહિલાઓ, ધાત્રી માતાઓ અને બાળકોને આપવામાં આવતી આરોગ્ય સેવાઓ, રસીકરણ, પોષણ સંબંધિત કામગીરી તેમજ માતા અને બાળ આરોગ્ય યોજનાઓની સમીક્ષા કરી હતી. લાભાર્થીઓને સમયસર અને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે સંબંધિત આરોગ્ય કર્મચારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.

મુલાકાત દરમિયાન ડો. ધોળકીયાએ આરોગ્ય સેવાઓને વધુ અસરકારક અને લોકો સુધી સરળતાથી પહોંચાડવા ભાર મૂક્યો હતો. તેમણે તમામ સ્ટાફને સરકારની આરોગ્ય યોજનાઓનો લાભ દરેક પાત્ર લાભાર્થી સુધી પહોંચે તે માટે સમર્પિત ભાવના સાથે કામગીરી કરવા અપીલ કરી હતી. આ મુલાકાત દરમિયાન આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર, આરોગ્ય કર્મચારીઓ તેમજ આશા અને એએનએમ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande