
જામનગર, 16 જુલાઈ (હિ.સ.) જામનગર શહેરના જોલી બંગલા પાસે આવેલ ગોડાઉનમાં રાખેલ માલસામાન મંડપ સર્વિસના મેનેજરે ચોરી કરીને બારોબાર વેચી નાખ્યાનો મામલો પોલીસ મથકે પહોચ્યો છે જયાં સાધના કોલોનીમાં રહેતા મેનેજર સામે ફરીયાદ કરવામાં આવતા સીટી-એ ડીવીઝન પોલીસે તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, જામનગરના રણજીતસાગર રોડ, નાનકપુરી ખાતે રહેતા ફરિયાદી સાગર મોહનભાઈ શર્મા મંડપ સર્વિસનો વ્યવસાય કરે છે. તેમણે ડિસેમ્બર 2025 માં મંડપ સર્વિસનો માલસામાન ખરીદ કર્યો હતો અને જોલી બંગલા પાસે આવેલ ભાવેશભાઇ હરવાણીના ગોડાઉનમાં રાખવામાં આવ્યો હતો.
મંડપ સર્વિસનું સંચાલન અને ગોડાઉનમાં રહેલા માલસામાનની દેખરેખ માટે ફરિયાદીએ મહેશ જીવતભાઈ રાજાણી, રહે. સાધના કોલોની, જામનગરને મેનેજર તરીકે માસિક પગારે રાખ્યા હતા.
દરમિયાન જાણકારી મળી હતી કે મહેશ રાજાણીએ પોતાના મિત્રને રૂપીયા ચૂકવવાના હોવાથી મંડપના કેટલાક ટેબલ આપી દીધા હતા. જેના આધારે ફરિયાદીએ ગોડાઉનની તપાસ કરતાં ત્યાંથી 35 ટેબલ, લોખંડની એન્ટ્રી ફ્રેમ, લાઇટ સ્ટેન્ડ, ચાર ઝુમ્મર, વરરાજાનો સોફો, સાઇડનું સફેદ કાપડ, ત્રણ લાકડાના સોફા સેટ સહિત અન્ય મંડપનો સામાન મળી કુલ 1.85 લાખનો માલસામાન ગાયબ હોવાનું સામે આવ્યું હતું.
ફરિયાદ મુજબ, આ અંગે પૂછપરછ કરતાં મહેશ રાજાણી સંતોષકારક જવાબ આપી શક્યા નહોતા તેમણે નુકસાનની ભરપાઈ કરવાની ખાતરી આપી હોવા છતાં આજદિન સુધી રકમ ચૂકવી ન હોવાથી આખરે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ બનાવ અંગે સાગરભાઇ દ્વારા સીટી ’એ’ ડિવિઝન પોલીસ મથકમાં મહેશ રાજાણી વિરુઘ્ધ મંડપ સર્વિસને લગત સામાન ચોરી કરી જઇ વેચી નાખ્યાની ફરીયાદ નોંધાવતા પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt