
જામનગર, 16 જુલાઈ (હિ.સ.) જામનગરના ગણેશફળીમાં રહેતા આધેડે પોતાની પુત્રીના આઠ તોલા દાગીના થોડા વર્ષો પહેલા ભાભીને સાચવવા માટે આપ્યા હતા, દરમ્યાન આ ઘરેણા પરત નહીં આપીને વિશ્ર્વાસઘાત કર્યાનો મામલો પોલીસમાં પહોચ્યો છે, મહાવીર સોસાયટીમાં રહેતા મહિલા સામે ફરીયાદ નોંધાવવામાં આવી છે.
જામનગરના ગણેશફળી, વાલ્મીકીવાસમાં રહેતા અરૂણભાઇ ભીમજીભાઇ વાઘેલાએ સીટી-એ ડીવીઝનમાં હર્ષદમીલની ચાલી નજીક મહાવીર સોસાયટી શેરી નં. ૧માં રહેતા પ્રભા ધનજીભાઇ વાઘેલાની વિરુઘ્ધ બીએનએસ 2023 ની કલમ 316 (2) મુજબ ફરીયાદ નોંધાવી છે.
ફરીયાદીના ભાઇ ધનજીભાઇ તથા ભાભી પ્રભાબેન 2018 માં મહાવીરનગર ખાતે ફરીયાદીના દિકરી કીર્તીબેનના સોનાના દાગીના જેમાં 3 તોલાનો સોનાનો હાર, 3 તોલાની પાનબુટી, 1 તોલાની સોનાની કાન સર, 1 વીંટી મળી આશરે આઠેક તોલા સોનાના દાગીના જેની હાલની કિ. 5 લાખ જેટલી થાય છે જે સાચવી રાખવાનું કહીને ફરીયાદીને વિશ્ર્વાસમાં લઇને તેમની પાસેથી દાગીના લઇ ગયા હતા.
દરમ્યાનમાં લાંબો સમય થતા દાગીના પરત આપ્યા ન હતા અને 2024 માં આ દાગીના આરોપી મહિલાએ તેમની દિકરીને આપી દીધાનું જાણવા મળ્યુ હતું આથી ફરીયાદી દ્વારા દાગીના પરત બાબતે વાતચીત કરી હતી વચ્ચે સમાધાનના પ્રયાસો પણ થયા હતા જો કે વાત નિષ્ફળ રહી હતી અંતે ફરીયાદી અરૂણભાઇ દ્વારા તેમના ભાભી પ્રભાબેન વાઘેલા સામે દાગીના પરત નહી આપીને વિશ્ર્વાસઘાત કર્યાની ફરીયાદ નોંધાવતા સીટી-એ પોલીસ દ્વારા ગુનો નોંધીને તપાસ ચલાવવામાં આવી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt