
ભાવનગર,16 જુલાઈ (હિ.સ.)ભાવનગરમાં ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓને ત્વરિત અને અસરકારક આરોગ્ય સેવા મળી રહે તે માટે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, ભાવનગર દ્વારા વિશેષ આરોગ્ય વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું હતું. રથયાત્રાના સમગ્ર રૂટ પર પ્રાથમિક સારવાર ટુકડીઓ, એમ્બ્યુલન્સ સેવા તેમજ રક્તદાન કેમ્પની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.
રથયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટતા કોઈપણ વ્યક્તિને અચાનક તબિયત બગડે અથવા સામાન્ય ઈજા થાય તો તરત જ સારવાર મળી રહે તે માટે પ્રશિક્ષિત તબીબી ટીમો વિવિધ સ્થળોએ તૈનાત રાખવામાં આવી હતી. સાથે જ જરૂરિયાત મુજબ દર્દીઓને હોસ્પિટલ સુધી ઝડપથી પહોંચાડી શકાય તે માટે એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.
આ પ્રસંગે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા રક્તદાન સેવાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સમાજના અનેક યુવાનો અને સેવાભાવી નાગરિકોએ ઉત્સાહપૂર્વક રક્તદાન કરી માનવસેવાનો અનોખો સંદેશ આપ્યો હતો. દાતાઓએ સ્વૈચ્છિક રીતે રક્તદાન કરીને જરૂરિયાતમંદ દર્દીઓના જીવન બચાવવામાં પોતાનો મહત્વપૂર્ણ ફાળો આપ્યો હતો.
રેડક્રોસ સોસાયટીના સ્વયંસેવકો અને આરોગ્ય કર્મચારીઓ સમગ્ર સમય દરમિયાન સેવાકાર્યમાં સક્રિય રહ્યા હતા. રથયાત્રા દરમિયાન આરોગ્ય સુરક્ષા અને માનવસેવાના આ આયોજનને ભક્તો અને નાગરિકોએ સરાહનીય ગણાવ્યું હતું. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, ભાવનગર દ્વારા કરવામાં આવેલી આ સેવાથી રથયાત્રા વધુ સુવ્યવસ્થિત અને સુરક્ષિત રીતે સંપન્ન કરવામાં મહત્વપૂર્ણ સહયોગ મળ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA