
સોમનાથ,6 જુલાઈ (હિ.સ.) જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, જૂનાગઢ અને આગાખાન સંસ્થાના સહયોગથી 'બેટી બચાઓ, બેટી પઢાઓ' (BBBP) યોજના અંતર્ગત માળીયા તાલુકાના અમરાપુર ગીર મુકામે સખીમંડળની બહેનો સાથે જાતિગત સંવેદનશીલતા વિષય પર એક દિવસીય જાગૃતિ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ સ્તરે સ્ત્રી-પુરુષ સમાનતા અંગે જાગૃતિ લાવવા અને દીકરીઓના જન્મ તેમજ શિક્ષણને પ્રોત્સાહન આપી સામાજિક દૂષણોને દૂર કરવાનો હતો.
આ ઉપરાંત જાતિગત સમાનતા અને કાનૂની અધિકારો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપસ્થિત સર્વેને સમાજમાં દીકરા-દીકરી વચ્ચે રાખવામાં આવતા ભેદભાવને દૂર કરી બંનેને સમાન ઉછેર અને તક આપવા અપીલ કરાઈ હતી. તેમજ દીકરીઓના બાળ લગ્નો અટકાવવા, કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા અને મહિલા સુરક્ષા સંબંધિત કાયદાઓની સરળ ભાષામાં સમજ આપવામાં આવી હતી.
આ ઉપરાંત ઘરેલું હિંસા અને મહિલા શોષણ સામે અવાજ ઉઠાવવા માટે સરકારની '181 અભયમ' મહિલા હેલ્પલાઈન,સખી વન સ્ટોપ સેન્ટર વિશે વિગતવાર માહિતી પૂરી પાડવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ઉપરોક્ત કાર્યક્રમ જિલ્લા મહિલા અને બાળ અધિકારી સી.જી.સોજીત્રા, દહેજ પ્રતિબંધક અધિકારી બી.ડી.ભાડના માર્ગદર્શન મુજબ આયોજિત કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં ગ્રામ સરપંચ હેતલબેન, DHEW માંથી કૃપાબેન ખુંટ ડિસ્ટ્રિક્ટ મિશન કોર્ડીનેટર, મીનાક્ષી ડેર જેન્ડર સ્પેશિયાલિસ્ટ, OSC માંથી અંકિતા ભાખર કેન્દ્ર સંચાલક,આગાખાન સંસ્થામાંથી ગીરનારીજી, ઇમરાનભાઈ તેમજ મોટી સંખ્યામાં સખીમંડળની બહેનો ઉપસ્થિત રહી હતી.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ