
કચ્છ, 16 જુલાઈ (હિ.સ.) : કચ્છ જિલ્લામાં ગુરુવારે બપોરે સતત ત્રણ મિનિટના અંતરે આવેલા બે ભૂકંપના આંચકાઓએ સરહદી વિસ્તારના લોકોમાં ક્ષણિક ભયનો માહોલ સર્જ્યો હતો. પ્રથમ આંચકો બપોરે 2:20 વાગ્યે નોંધાયો હતો, જ્યારે તેની માત્ર ત્રણ મિનિટ બાદ 2:23 વાગ્યે બીજો કંપન નોંધાતા ખાવડા, ધોળાવીરા તેમજ આસપાસના વિસ્તારોમાં લોકોમાં ચિંતા જોવા મળી હતી. જોકે બંને ભૂકંપ મધ્યમ તીવ્રતાના હોવાથી કોઈ જાનહાનિ કે મિલકતને નુકસાન થયાના અહેવાલ પ્રાપ્ત થયા નથી.
ભૂકંપના સત્તાવાર રેકોર્ડ મુજબ પ્રથમ કંપન રિક્ટર સ્કેલ પર 3.6ની તીવ્રતાનો હતો, જેનું કેન્દ્રબિંદુ ખાવડાથી અંદાજે 32 કિલોમીટર દૂર ક્રિક વિસ્તારમાં નોંધાયું હતું. આંચકો ખૂબ જ ટૂંકા સમયનો હોવા છતાં કેટલાક વિસ્તારોમાં લોકોએ ધરતી ધ્રૂજતી હોવાનો અનુભવ કર્યો હતો. લોકો ઘરો અને દુકાનોમાંથી બહાર નીકળી આવ્યા હતા, પરંતુ સ્થિતિ ઝડપથી સામાન્ય બની ગઈ હતી.
પ્રથમ કંપન બાદ માત્ર ત્રણ મિનિટમાં બપોરે 2:23 વાગ્યે બીજો ભૂકંપ નોંધાયો હતો. તેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.2 નોંધાઈ હતી. આ કંપનનું કેન્દ્રબિંદુ ધોળાવીરાથી લગભગ 32 કિલોમીટર દૂર પાકિસ્તાન બોર્ડર નજીક આવેલા ક્રિક વિસ્તારમાં હોવાનું નોંધાયું છે. બંને કંપનોનું કેન્દ્ર લગભગ સમાન ભૂસ્તરીય પટ્ટામાં હોવાથી ભૂસ્તરવિજ્ઞાનના દૃષ્ટિકોણથી આ ઘટનાને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર જ્યાં આ બંને ભૂકંપ નોંધાયા છે તે વિસ્તાર સાઉથ વાગડ ફોલ્ટ લાઈન હેઠળ આવે છે, જે કચ્છના સક્રિય ફોલ્ટ ઝોન પૈકીનો એક મહત્વપૂર્ણ વિસ્તાર ગણાય છે. સમયાંતરે અહીં નાના અને મધ્યમ તીવ્રતાના ભૂકંપ નોંધાતા રહે છે. કચ્છ ભૂકંપીય રીતે સંવેદનશીલ વિસ્તાર હોવાથી આવી ઘટનાઓ પર સતત નજર રાખવામાં આવે છે.
પ્રશાસન અને સંબંધિત એજન્સીઓએ હાલ પરિસ્થિતિ સામાન્ય હોવાનું જણાવ્યું છે અને કોઈપણ પ્રકારના નુકસાનના અહેવાલ મળ્યા નથી. તેમ છતાં નિષ્ણાતો નાગરિકોને અફવાઓથી દૂર રહી સત્તાવાર માહિતી પર વિશ્વાસ રાખવા તેમજ ભૂકંપ જેવી કુદરતી આપત્તિ દરમિયાન જરૂરી સાવચેતી રાખવાની અપીલ કરી રહ્યા છે. કચ્છમાં ફરી એકવાર સતત બે આંચકાઓ નોંધાતા ભૂકંપીય સક્રિયતા અંગે ચર્ચા તેજ બની છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar