
કચ્છ, 16 જુલાઈ (હિ.સ.) : કચ્છ જિલ્લાના નલિયા સ્થિત એરફોર્સ સ્ટેશનમાં એક દુઃખદ અને ચિંતાજનક ઘટના સામે આવી છે. ફરજ દરમિયાન ભારતીય વાયુસેનાના એક યુવાન જવાને પોતાની સર્વિસ રાઇફલ વડે આત્મઘાતી પગલું ભર્યાની ઘટના પ્રકાશમાં આવતાં સમગ્ર એરફોર્સ સ્ટેશન સહિત સ્થાનિક વિસ્તારમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે. ઘટનાની જાણ થતાં જ એરફોર્સના અધિકારીઓ તેમજ સ્થાનિક પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.
પ્રાથમિક માહિતી મુજબ હરિયાણા રાજ્યના રહેવાસી અને આશરે 27 વર્ષીય ભરતરાજ ભોમેશકુમાર ભારદ્વાજ નલિયા એરફોર્સ સ્ટેશનના ટેક્નિકલ વિભાગમાં ફરજ બજાવી રહ્યા હતા. ફરજ દરમિયાન અચાનક ગોળી છૂટ્યાનો અવાજ સંભળાતા અન્ય કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ત્યાં ભરતરાજ ગંભીર હાલતમાં લોહીલુહાણ અવસ્થામાં મળી આવ્યા હતા. ગોળી તેમના માથાના ભાગે વાગી હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે તેમણે પોતાની ફરજ માટે ફાળવવામાં આવેલી સર્વિસ રાઇફલમાંથી જ ફાયરિંગ કર્યું હતું. ઘટના બાદ એરફોર્સ દ્વારા આંતરિક સ્તરે પણ તપાસ શરૂ કરવામાં આવી છે જેથી સમગ્ર ઘટનાક્રમની હકીકત જાણી શકાય. હાલ આત્મઘાતી પગલું ભરવા પાછળનું ચોક્કસ કારણ સ્પષ્ટ થયું નથી. વ્યક્તિગત, માનસિક કે અન્ય કોઈ કારણ જવાબદાર હતું કે નહીં તે અંગે તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ કરવામાં આવી રહી છે.
ઘટનાની જાણ કોઠારા પોલીસને કરવામાં આવતા પોલીસ કાફલો પણ એરફોર્સ સ્ટેશન પહોંચ્યો હતો. પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અકાળે મોતનો ગુનો નોંધ્યો છે અને જરૂરી પંચનામા સહિતની પ્રક્રિયા પૂર્ણ કરી વધુ તપાસ શરૂ કરી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવાની કાર્યવાહી પણ હાથ ધરાઈ હોવાનું જાણવા મળ્યું છે.
આ ઘટનાએ સુરક્ષા દળોમાં ફરજ બજાવતા જવાનોના માનસિક સ્વાસ્થ્ય અને તણાવ જેવા મુદ્દાઓને ફરી ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધા છે. તપાસ પૂર્ણ થયા બાદ જ ઘટનાનું સાચું કારણ સામે આવશે. હાલમાં પોલીસ અને એરફોર્સ બંને એંગલથી તપાસ ચાલુ છે અને સત્તાવાર અહેવાલની રાહ જોવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar