
પોરબંદર, 16 જુલાઈ (હિ.સ.)પોરબંદર જિલ્લામાં મોટા ઔદ્યોગિક રોકાણોની દિશામાં વધુ એક મહત્વપૂર્ણ પગલું ભરાયું છે. ભારવાડ ખાતે ફર્નિચર પાર્કની જાહેરાત અને જમીનની ફાળવણી બાદ હવે કેન્દ્ર સરકારે કુછડી નજીક ગ્રીનફિલ્ડ શિપબિલ્ડિંગ ક્લસ્ટરને શિપબિલ્ડિંગ ડેવલપમેન્ટ સ્કીમ (SbDS) હેઠળ સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. અંદાજે 2,000 એકર (લગભગ 5 હજાર વીઘા) વિસ્તારમાં વિકસનારા આ પ્રોજેક્ટથી પોરબંદર દેશના અગ્રણી શિપબિલ્ડિંગ કેન્દ્રોમાં સ્થાન મેળવશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે. આ ગ્રીનફિલ્ડ શિપબિલ્ડિંગ ક્લસ્ટરનું નિર્માણ નેશનલ શિપબિલ્ડિંગ એન્ડ હેવી ઇન્ડસ્ટ્રીઝ પાર્ક-ગુજરાત (NSHIP-Gujarat) દ્વારા કરવામાં આવશે. કેન્દ્રના બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય તથા ગુજરાત મેરિટાઇમ બોર્ડના સંયુક્ત સહયોગથી વિકસનારા આ પ્રોજેક્ટમાં આધુનિક શિપયાર્ડ, શિપબિલ્ડિંગ સાથે જોડાયેલા આનુષંગિક ઉદ્યોગો, કોમન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કૌશલ્ય વિકાસ કેન્દ્રો ઊભા કરવામાં આવશે. પ્રોજેક્ટ હેઠળ દર વર્ષે 1.2થી 1.5 મિલિયન ગ્રોસ ટનેજ (GT) ક્ષમતાના મોટા વ્યાપારી જહાજોના નિર્માણનું આયોજન છે. આથી ભારતની સ્થાનિક શિપબિલ્ડિંગ ક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે તેમજ પોરબંદર હેવી કમર્શિયલ જહાજોના ઉત્પાદન માટે દેશના મહત્વના કેન્દ્ર તરીકેવિકસશે. આ પ્રોજેક્ટથી હજારો લોકોને સીધી અને પરોક્ષ રોજગારી મળશે, સ્થાનિક આનુષંગિક ઉદ્યોગોને પ્રોત્સાહન મળશે અને પોરબંદરના ઔદ્યોગિક વિકાસને નવી ગતિ મળશે. કેન્દ્રીય બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે જણાવ્યું હતું કે, પોરબંદરનું ગ્રીનફિલ્ડ શિપબિલ્ડિંગ ક્લસ્ટર અને વાડીનાર ખાતે વિકસનારી શિપ રિપેર સુવિધા ભારતને આત્મનિર્ભર બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ સાબિત થશે. આ બંને પ્રોજેક્ટ દેશના દરિયાઈ ક્ષેત્રને વૈશ્વિક સ્તરે વધુ સ્પર્ધાત્મક બનાવવાની સાથે ગુજરાતના ઔદ્યોગિક વિકાસમાં પણ મહત્વનું યોગદાન આપશે. પોરબંદરમાં 5 હજાર વીઘામાં ગ્રીનફિલ્ડ શિપબિલ્ડિંગ ક્લસ્ટરથી શું ફાયદો થશે ? પોરબંદરના કુછડી વિસ્તારમાં ગ્રીનફિલ્ડશિપબિલ્ડિંગ ક્લસ્ટર વિકસવાથી જિલ્લાના ઔદ્યોગિક વિકાસને નવી દિશા મળશે. મોટા વ્યાપારી જહાજોના નિર્માણ માટે વિશ્વસ્તરીય સુવિધા ઉભી થતાં પોરબંદરને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે નવી ઓળખ મળશે. આ પ્રોજેક્ટથી હજારો યુવાનોને સીધી અને પરોક્ષ રોજગારીની તકો મળશે તેમજ સ્ટીલ, ફેબ્રિકેશન, મશીનરી, લોજિસ્ટિક્સ અને અન્ય આનુષંગિક ઉદ્યોગોને પણ પ્રોત્સાહન મળશે. સાથે જ સ્થાનિક વેપાર, પરિવહન, હોટલ અને સેવા ક્ષેત્રમાં પણ નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે. પોર્ટ અને માર્ગ સહિતના માળખાકીય વિકાસને પણ વેગ મળશે. આ પ્રોજેક્ટ દેશની શિપબિલ્ડિંગ ક્ષમતામાં વધારો કરશે અને મોટા જહાજોના નિર્માણ માટે વિદેશ પરની નિર્ભરતા ઘટાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. પોરબંદરને ભવિષ્યમાં દેશના અગ્રણી મરીન મેન્યુફેક્ચરિંગ અને શિપબિલ્ડિંગ હબ તરીકે સ્થાપિત કરવામાં આ પ્રોજેક્ટ મહત્વનો સાબિત થઈ શકે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya