
બોટાદ, 16 જુલાઈ (હિ.સ.)બોટાદ જિલ્લામાં ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓની વોટ્સએપ મારફતે રેકી કરવામાં આવતી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવતા ખળભળાટ મચી ગયો છે. ખનિજ ચોરી સામે કાર્યવાહી કરવા જતા અધિકારીઓની હિલચાલ પર નજર રાખી તેમની માહિતી ગેરકાયદેસર રીતે એકત્રિત કરી વોટ્સએપ ગ્રૂપમાં શેર કરવામાં આવતી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આ માહિતીના આધારે ખનિજ ચોરીમાં સંડોવાયેલા તત્વોને અગાઉથી સાવચેત કરવામાં આવતા હોવાની પણ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
પ્રાથમિક તપાસ મુજબ આરોપીઓ ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓના વાહનોના ફોટોગ્રાફ, તેઓ કયા વિસ્તારમાં ચેકિંગ કરી રહ્યા છે, તેમની હાજરી અને લોકેશન સહિતની મહત્વપૂર્ણ માહિતી વોટ્સએપ ગ્રૂપમાં મોકલતા હતા. પરિણામે ગેરકાયદે ખનન કરતા લોકો સમયસર સ્થળ છોડીને ફરાર થઈ જતા અથવા પુરાવા નષ્ટ કરવાની તક મેળવી લેતા હોવાનું સામે આવ્યું છે.
આ સમગ્ર મામલે મદદનીશ ભૂસ્તરશાસ્ત્રીએ પાળીયાદ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી બે શખ્સોની અટકાયત કરી છે. ઉપરાંત કુલ સાત લોકો સામે સરકારી કર્મચારીઓની ફરજમાં રૂકાવટ ઊભી કરવી, ગેરકાયદે પ્રવૃત્તિમાં મદદરૂપ થવું તેમજ અન્ય સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
પોલીસ દ્વારા આરોપીઓના મોબાઇલ ફોન, વોટ્સએપ ગ્રૂપ અને અન્ય ડિજિટલ પુરાવાની તપાસ શરૂ કરવામાં આવી છે. તપાસ દરમિયાન ગ્રૂપમાં જોડાયેલા અન્ય સભ્યોની ભૂમિકા, માહિતી કોણ શેર કરતું હતું અને તેનો લાભ કોને મળતો હતો તે દિશામાં પણ તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA