
જામનગર, 16 જુલાઈ (હિ.સ.) જામનગર મહાનગરપાલિકા દ્વારા રોજનું લાખો લીટર ગંદુ પાણી શુદ્ધ કરવાના દાવાઓ વચ્ચે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (જીપીસીબી)ની સરપ્રાઈઝ વિઝિટે તંત્રની પોલ ખોલી નાખી છે. કરોડો રૂપિયાના ખર્ચે બનેલા પ્લાન્ટ છતાં, કોઈ જ પ્રોસેસ કર્યા વિના ઝેરી અને ગંદુ પાણી સીધું દરિયામાં વહાવી દઈ પર્યાવરણનો સોથ વાળવામાં આવી રહ્યો છે.
જીપીસીબી દ્વારા આ ગંભીર લાપરવાહી બદલ કોર્પોરેશનને કારણદર્શક નોટિસ ફટકારી ખુલાસો માંગવામાં આવ્યો હતો. જોકે, જવાબમાં કોર્પોરેશને લૂલો બચાવ કરતા જણાવ્યું કે, પ્લાન્ટમાં મેન્ટેનન્સનું કામ ચાલતું હોવાથી થોડો સમય પાણી પ્રોસેસ વગર વહી ગયું હતું.આ બેજવાબદાર જવાબથી સાબિત થાય છે કે પર્યાવરણ અને કાયદાની તંત્રને કોઈ પડી નથી.મહાપાલિકા દ્વારા આવી ગંભીર બેદરકારી રાખવામાં આવતી હોય તે કોઈ રીતે ગળે ઉતરે તેમ નથી.
આ પ્લાન્ટની ક્ષમતા અને કામ કરવાની આવડત પર સવાલ ઉભા થયા છે. ત્યારે આ બાબતે તટસ્થ તપાસ જરૂરી બની છે. ગાંધીનગર પાછળ નવાગામ ઘેડ ખાતે આવેલો સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ આશરે રૂ. 90 કરોડના ભારેખમ ખર્ચે તૈયાર કરાયો છે.
આટલો મોટો પ્રોજેક્ટ મ હોવા છતાં તેનું સંચાલન કરતી ખાનગી કંપની 'એન્ડલોન' અત્યંત ની નિષ્કાળજીપૂર્વક કામ કરી રહી છે. કોન્ટ્રાક્ટર કંપનીની બેદરકારી અને કોર્પોરેશનના નબળા સુપરવિઝનને કારણે જનતાના પરસેવાના કરોડો રૂપિયા પાણીમાં વહી રહ્યા છે.
-
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt