
બોટાદ, 16 જુલાઈ (હિ.સ.)વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર સ્થિત શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરમાં અષાઢી બીજ તેમજ ભગવાન જગન્નાથજીની પવિત્ર રથયાત્રાના શુભ અવસરે ભવ્ય અને અલૌકિક શણગાર કરવામાં આવ્યો હતો. મંદિરને આકર્ષક રીતે સજાવવામાં આવ્યું હતું અને સમગ્ર પરિસરમાં ભક્તિમય વાતાવરણ છવાઈ ગયું હતું.
આ વિશેષ પ્રસંગે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજને ભગવાન જગન્નાથજીની રથયાત્રાની થીમને અનુરૂપ મનોહર વાઘા તથા સુંદર આભૂષણો ધારણ કરાવવામાં આવ્યા હતા. દાદાના દિવ્ય સ્વરૂપે ભક્તોને ભગવાન જગન્નાથજીની રથયાત્રાની યાદ તાજી કરાવી હતી. દાદાના સિંહાસનની આસપાસ રંગબેરંગી અને કલાત્મક રથોની વિશેષ સજાવટ કરવામાં આવી હતી, જે ભક્તો માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બની હતી.
આ ઉપરાંત દાદાના પાવન ચરણોમાં વિવિધ પ્રકારના ફળ, કઠોળ અને અન્ય પ્રસાદી વસ્તુઓ અર્પણ કરી વિશેષ પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું. મંદિરના પૂજારી સંતો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે વિશેષ આરતી અને પૂજા-વિધિ સંપન્ન કરવામાં આવી હતી. સમગ્ર મંદિર પરિસરમાં જય શ્રી રામ, જય કષ્ટભંજન દેવ અને જય જગન્નાથના જયઘોષથી ભક્તિમય માહોલ સર્જાયો હતો.
અષાઢી બીજના પાવન પર્વે ગુજરાત સહિત દેશના વિવિધ વિસ્તારોમાંથી હજારોની સંખ્યામાં ભક્તો સાળંગપુર ધામે ઉમટી પડ્યા હતા. ભક્તોએ દાદાના આ અલૌકિક રથયાત્રા થીમ આધારિત શણગારના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી અને પોતાના પરિવારના સુખ, સમૃદ્ધિ તથા કલ્યાણ માટે પ્રાર્થનાઓ કરી હતી.
દર વર્ષે વિવિધ ધાર્મિક પર્વોને અનુલક્ષીને શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીને અનોખા અને કલાત્મક શણગાર કરવામાં આવે છે. આ વર્ષે અષાઢી બીજ નિમિત્તે કરવામાં આવેલો જગન્નાથજીની રથયાત્રા થીમ આધારિત આ દિવ્ય શણગાર ભક્તો માટે અનોખું આકર્ષણ બન્યો હતો અને સૌના હૃદયમાં અવિસ્મરણીય આધ્યાત્મિક અનુભૂતિ છોડી ગયો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA