
જામનગર, 16 જુલાઈ (હિ.સ.) જામનગર મહાપાલિકાના અધિકારીઓ દ્વારા ગોકુલનગરથી સાંઢિયાપુલ સુધી ડીપી કપાતની કામગીરીનું સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ દરમ્યાન મનપાના કમિશ્ર્નર, ડીએમસી, આસી.કમિશ્ર્નર, સીટી ઇજનેર સહીતના અધિકારીઓએ ડીપી કપાત અંગે સમીક્ષા કરી રસ્તો પહોળો કરવાની કામગીરીમાં અવરોધરૂપ બાંધકામો દૂર કરવા અંગે ચર્ચા વિચારણા કરી હતી.
જામનગર શહેરની હદ વઘ્યા બાદ શહેરમાં ભળેલા નવા અનેક વિસ્તારોનો વિકાસ થયો છે તો હાલમાં અન્ય વિસ્તારો ધીમે ધીમે વિકસિત થઇ રહ્યા છે. બીજી બાજુ વસ્તીમાં પણ વધારો થયો છે. આથી શહેરના વિકસિત વિસ્તારોમાં મોટા માર્ગો તથા અન્ય પાયાની સુવિધા જરૂરી બની છે. જે અંતર્ગત શહેરમાં ગોકુલનગર સર્કલથી લઇને હરીયા કોલેજ અને ત્યાંથી સાંંઢિયા પુલ સુધીનો માર્ગ પહોળો કરવા માટે ડીપી કપાતની કામગીરી હાથ ધરવામાં આવી છે.
આ કામગીરીનું નિરીક્ષણ ગુરૂવારે મહાનગરપાલીકાના કમિશ્ર્નર દીપેશ કેડીયાએ કર્યું હતું. આ તકે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્ર્નર દેવેન્દ્વસિંહ ઝાલા, આસી.કમિશ્ર્નર વહીવટ મુકેશ વરણવા, સીટી ઇજનેર ભાવેશ જાની, ટીપીડીપી શાખાના અધિકારી મુકેશ ગોસાઇ સાથે રહ્યા હતાં. કમિશ્ર્નર અને અધિકારીઓએ સ્થળ પર ડીપી કપાતની કામગીરીની સમીક્ષા કરી હતી. આટલું જ નહીં રસ્તો પહોળો કરવાની કામગીરીમાં અવરોધરૂપ બાંધકામો દૂર કરવા અંગે ચર્ચા-વિચારણા પણ કરી હતી.
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt