
સુરત, 16 જુલાઈ (હિ.સ.): સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ટેક-ઓફ માટે તૈયાર ઉભેલી એક ખાનગી ફ્લાઇટ દરમિયાન રનવે પર આશરે ત્રણ ફૂટ લાંબો સાપ જોવા મળતાં થોડા સમય માટે ચકચાર મચી હતી. વિમાનમાં બેઠેલા એક મુસાફરની નજર સાપ પર પડતાં તેમણે પાઇલટને જાણ કરી, જેના બાદ પાઇલટે તરત જ એરપોર્ટના કંટ્રોલ રૂમ અને સંબંધિત અધિકારીઓને માહિતી આપી. સાવચેતીના ભાગરૂપે વિમાનને થોડા સમય માટે રોકી દેવામાં આવ્યું.
આ સમગ્ર ઘટનાનો વીડિયો એક મુસાફરે વિમાનની અંદરથી પોતાના મોબાઇલમાં કેદ કર્યો હતો, જે હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં રનવે પર સાપ ફેણ ચડાવીને બેઠેલો જોવા મળે છે. વિમાનના અવાજને કારણે સાપ ગભરાઈ ગયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે, સમયસર પગલાં લેવાતા ફ્લાઇટના સંચાલન પર કોઈ નોંધપાત્ર અસર થઈ નહોતી.
પ્રાથમિક માહિતી મુજબ ચોમાસાની ઋતુ દરમિયાન એરપોર્ટની આસપાસની ઝાડીઓ અને ખુલ્લા વિસ્તારમાંથી સરીસૃપો બહાર આવવાની શક્યતા રહેતી હોય છે. ઘટનાની જાણ થતાં જ ગ્રાઉન્ડ સ્ટાફ અને સુરક્ષા ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે કોઈ જાનહાનિ કે દુર્ઘટના સર્જાઈ નહોતી અને જરૂરી કાર્યવાહી બાદ ફ્લાઇટનું સંચાલન સામાન્ય રીતે આગળ વધ્યું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે