



પાટણ, 16 જુલાઈ (હિ.સ.)પાટણના પ્રસિદ્ધ જગન્નાથ મંદિરે અષાઢી બીજ નિમિત્તે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રની ભવ્ય રથયાત્રા ભક્તિભાવ સાથે પ્રસ્થાન કરી. વહેલી સવારે વિશેષ પૂજા, પહીંદ વિધિ અને દિવ્ય મંગળા આરતી યોજાઈ હતી. ભગવાનને કોળા ગાવર, શાક, ખીચડી અને મિસરીનો અન્નકૂટ ભોગ ધરાવવામાં આવ્યો. હજારો ભક્તોએ 'જય રણછોડ, માખણ ચોર'ના જયઘોષ સાથે દર્શન કરી ભક્તિમય વાતાવરણ સર્જ્યું.
લગભગ 1.5 કિમી લાંબી રથયાત્રામાં 125 ઝાંખીઓ, 4 બેન્ડ, 7 ડીજે, ઊંટ, ઘોડા અને 30 જેટલી ઊંટલારીઓ મુખ્ય આકર્ષણ બન્યાં. વિવિધ ધાર્મિક, સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. પંજાબનો ભાંગડા, મણિપુરી નૃત્ય, ભરતનાટ્યમ અને ગુજરાતના ગરબા સહિત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોએ સૌનું મન મોહી લીધું. દુર્ગાવાહિનીની બહેનોએ શૌર્યપ્રદર્શન અને તલવારબાજી રજૂ કરી.
રથયાત્રામાં સાંસદ ભરતસિંહ ડાભી, ધારાસભ્ય કિરીટ પટેલ સહિત અનેક મહાનુભાવો, જિલ્લા વહીવટી અને પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. મહેમાનોનું મંદિર ટ્રસ્ટ દ્વારા સન્માન કરવામાં આવ્યું. ભગવાનની પ્રથમ આરતી માટે હરેશભાઈ જોશીએ સતત 15મા વર્ષે રૂ. 2.75 લાખની ઉછામણી બોલી આરતી ઉતારવાનો લહાવો લીધો. તેમણે આને ભગવાન જગન્નાથની અસીમ કૃપા અને વડીલોના આશીર્વાદનું ફળ ગણાવ્યું.
રથયાત્રા નિમિત્તે રોકડિયા ગેટ યુવક મંડળ દ્વારા 1,700 કિલો ડ્રાયફ્રૂટ્સયુક્ત શુદ્ધ મહાપ્રસાદ તૈયાર કરી ભગવાનને અર્પણ કરવામાં આવ્યો અને ત્યારબાદ હજારો ભક્તોમાં પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ