

પોરબંદર, 16 જુલાઈ (હિ.સ.)અષાઢી બીજના પવિત્ર પર્વ નિમિત્તે પોરબંદર ખાતે પોરબંદર સમસ્ત ખરવા સમાજ દ્વારા ભગવાન શ્રી રામદેવજી પ્રભુની ભવ્ય અને પરંપરાગત શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષે આ ધાર્મિક મહોત્સવમાં શ્રદ્ધાની સાથે રાષ્ટ્રભક્તિ અને સામાજિક જાગૃતિનો એક અનોખો સંગમ જોવા મળ્યો હતો, જે સમગ્ર નગરજનોમાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.
શોભાયાત્રામાં ભારતીય વાયુસેનાના શૌર્યને સલામી આપતો ‘ઓપરેશન સિંદૂર’નો જીવંત ટેબ્લો રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં ફાઇટર જેટના મોડેલ અને વીરાંગનાઓના ચિત્રો સાથે રાષ્ટ્રના ગૌરવને ઉજાગર કરાયો હતો. આ સાથે જ, યુવાધનને નશાના દૂષણથી મુક્ત કરવાના ભગીરથ આશય સાથે જાહેર હિતમાં ‘નો ડ્રગ્સ’ જાગૃતિ અભિયાનની પ્રેરણાદાયી ઝાંખી પણ પ્રદર્શિત કરવામાં આવી હતી. ધાર્મિક પ્રસંગની સાથે દેશ ગૌરવ અને સામાજિક સુધારાના સમન્વય સમાન આ ભવ્ય શોભાયાત્રામાં પોરબંદરના હજારો શ્રદ્ધાળુઓ અને અગ્રણીઓ ઉત્સાહભેર જોડાયા હતા.
આ મંગલમય પ્રસંગે રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડીયા સહિતના અનેક રાજકીય-સામાજિક મહાનુભાવો અને અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya