જગન્નાથજીના દર્શને જતી બે કોલેજિયન યુવતીઓને ટ્રકે અડફેટે લીધી, એકનું મોત અને બીજી ગંભીર
સુરત, 16 જુલાઈ (હિ.સ.): સુરતના સાયણ-હજીરા આઉટર રિંગ રોડ પર અષાઢી બીજના દિવસે ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. કતારગામ વિસ્તારમાં રહેતી અને બી.કોમમાં અભ્યાસ કરતી બે બહેનપણીઓ, 18 વર્ષીય રિયા કુંભાણી અને 20 વર્ષીય ઉર્વિષા બાંભણિયા, કોલેજ બાદ જહાંગીરપુ
Accident


સુરત, 16 જુલાઈ (હિ.સ.): સુરતના સાયણ-હજીરા આઉટર રિંગ રોડ પર અષાઢી બીજના દિવસે ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. કતારગામ વિસ્તારમાં રહેતી અને બી.કોમમાં અભ્યાસ કરતી બે બહેનપણીઓ, 18 વર્ષીય રિયા કુંભાણી અને 20 વર્ષીય ઉર્વિષા બાંભણિયા, કોલેજ બાદ જહાંગીરપુરા સ્થિત ઇસ્કોન મંદિરમાં ભગવાન જગન્નાથના દર્શન કરવા મોપેડ પર નીકળી હતી. દરમિયાન બેફામ ઝડપે આવી રહેલા ટ્રકે તેમની મોપેડને ટક્કર મારતા દુર્ઘટના સર્જાઈ હતી.

અકસ્માત એટલો ગંભીર હતો કે રિયા કુંભાણીનું ઘટનાસ્થળે જ કરૂણ મોત થયું હતું, જ્યારે ઉર્વિષા બાંભણિયાને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. બાદમાં વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને પરિવારજનો હોસ્પિટલ પહોંચી જતા શોકનો માહોલ છવાઈ ગયો હતો.

જહાંગીરપુરા પોલીસે ઘટનાસ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ મોકલ્યો હતો. અકસ્માત બાદ ટ્રક ચાલક ફરાર થઈ ગયો હોવાનું સામે આવ્યું છે. પોલીસે તેની સામે બેદરકારીપૂર્વક વાહન હંકારી અકસ્માત સર્જવાના ગુનાની કાર્યવાહી શરૂ કરી છે. સતત વધી રહેલા ભારે વાહનોના અકસ્માતોને લઈને સ્થાનિકોમાં પણ ચિંતા વ્યક્ત થઈ રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande