મોર્નિંગ વોકર્સને નિશાન બનાવનાર યુવક ઝડપાયો, સાત ચેન સ્નેચિંગના ગુનાઓનો થયો પર્દાફાશ
સુરત,16 જુલાઈ (હિ.સ.) સુરત શહેરમાં વહેલી સવારે મોર્નિંગ વોક માટે નીકળતા લોકોના ગળામાંથી સોનાની ચેઇન ઝૂંટવતા 19 વર્ષીય યુવકને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. પોલીસને મળેલી ચોક્કસ માહિતીના આધારે ડભોલી-સિંગણપોર વિસ્તારમાં વોચ ગોઠવી દેવ ઉર્ફે યોગેશ
Surat


સુરત,16 જુલાઈ (હિ.સ.) સુરત શહેરમાં વહેલી સવારે મોર્નિંગ વોક માટે નીકળતા લોકોના ગળામાંથી સોનાની ચેઇન ઝૂંટવતા 19 વર્ષીય યુવકને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. પોલીસને મળેલી ચોક્કસ માહિતીના આધારે ડભોલી-સિંગણપોર વિસ્તારમાં વોચ ગોઠવી દેવ ઉર્ફે યોગેશ વાઘેલાની ધરપકડ કરવામાં આવી હતી. તેની પૂછપરછ દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં થયેલા કુલ સાત ચેન સ્નેચિંગ અને પ્રયાસોના ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. આરોપી પાસેથી રૂ. 4.25 લાખથી વધુ કિંમતની બે સોનાની ચેઇન તેમજ ગુનામાં ઉપયોગમાં લેવાયેલી રૂ. 1.50 લાખની યામાહા MT-15 બાઇક મળી કુલ રૂ. 5.75 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપી વહેલી સવારે પોશ વિસ્તારોમાં બાઇક પર ફરી એકલદોકલ મોર્નિંગ વોકર્સને નિશાન બનાવતો હતો. સિંગણપોર, પાલ, ઉમરા, કેનાલ રોડ, અડાજણ અને બોટનિકલ ગાર્ડન આસપાસ તેણે ચેઇન સ્નેચિંગની અનેક ઘટનાઓને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી છે. કેટલાક બનાવોમાં સોનાની ચેઇન ઝૂંટવવામાં સફળ રહ્યો હતો, જ્યારે કેટલાક સ્થળોએ ચેઇન નકલી નીકળતા તેને ફેંકી દીધી હતી અથવા ભોગ બનનારના પ્રતિકારને કારણે તે ભાગી છૂટ્યો હતો.

પ્રાથમિક તપાસ મુજબ દેવે ધોરણ 12 પહેલાં જ અભ્યાસ છોડી દીધો હતો અને વૈભવી જીવનશૈલી, મોંઘી સ્પોર્ટ્સ બાઇક અને મોજશોખ માટે ઝડપથી પૈસા કમાવાની લાલચમાં ગુનાખોરીનો રસ્તો અપનાવ્યો હતો. છેલ્લા છ મહિનાથી તે સક્રિય રીતે ચેન સ્નેચિંગની ઘટનાઓને અંજામ આપતો હતો. આરોપી સામે અગાઉ પણ ગુનો નોંધાયેલો હોવાનું પોલીસએ જણાવ્યું છે. હાલ તેની વધુ પૂછપરછ માટે રિમાન્ડ મેળવવાની કાર્યવાહી ચાલી રહી છે, જેથી અન્ય ગુનાઓ અથવા સાગરીતોની સંડોવણી અંગે વધુ માહિતી મળી શકે.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande