જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલમાંથી 21 વર્ષીય પરિણીતા ગુમ થઈ
જામનગર, 17 જુલાઈ (હિ.સ.) : જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવેલી જોડીયા તાલુકાના જીરાગઢ ગામની 21 વર્ષીય પરિણીત મહિલા કોઈને જાણ કર્યા વગર હોસ્પિટલમાંથી નીકળી ગયા બાદ ગુમ થયાની નોંધ સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં કરવામાં આવી
ગુમ થવા અંગે ફરિયાદ


જામનગર, 17 જુલાઈ (હિ.સ.) : જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવેલી જોડીયા તાલુકાના જીરાગઢ ગામની 21 વર્ષીય પરિણીત મહિલા કોઈને જાણ કર્યા વગર હોસ્પિટલમાંથી નીકળી ગયા બાદ ગુમ થયાની નોંધ સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં કરવામાં આવી છે. પોલીસે મહિલાની શોધખોળ હાથ ધરી છે.

પોલીસમાં જાહેર કરાયેલી વિગતો મુજબ, જોડીયા તાલુકાના જીરાગઢ ગામે રહેતા અને કડિયાકામ કરતા નાશીરભાઈ અકબરભાઈ સોઢાનાં પત્ની નુરીબેન નાશીરભાઈ સોઢાને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

દરમિયાન, નુરીબેન તા. 10 જુલાઈના રોજ રાત્રિના આશરે 8 વાગ્યે કોઈને કંઈ કહ્યા વગર હોસ્પિટલમાંથી ક્યાંક નીકળી ગયા હતા. પરિવારજનો દ્વારા તેમની આસપાસના વિસ્તારો તેમજ સગાં-સંબંધીઓને ત્યાં શોધખોળ કરવામાં આવી હતી, પરંતુ કોઈ ભાળ મળી ન હતી. આથી નાશીરભાઈએ તા.16 જુલાઈના રોજ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરી હતી. ગુમ થનાર નુરીબેન મજબૂત બાંધાના અને રૂપાળા વાનનાં છે. તેમણે છેલ્લે ગુલાબી રંગનો ડ્રેસ પહેર્યો હતો. તેઓ ધોરણ આઠ સુધી ભણેલાં છે અને મૈથિલી તથા હિન્દી ભાષા જાણે છે.

આ અંગે સીટી બી ડિવિઝન પોલીસે જાણવાજોગ ગુમ નોંધ કરી છે. નુરીબેન અંગે કોઈને માહિતી કે ભાળ મળે તો જામનગર સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન અથવા તેમના પતિનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande