
સુરત, 17 જુલાઈ (હિ.સ.) : સુરત શહેર ક્રાઇમ બ્રાંચે વર્ષ 1998માં ઉધના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બાઇક ચોરીના કેસમાં છેલ્લા 28 વર્ષથી ફરાર રહેલા આરોપી લાલસીંગ તુલારામ નીસાદને દિલ્હીમાંથી ઝડપી પાડ્યો છે. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે આર્મ્સ સ્કોડની ટીમે દિલ્હીમાં સતત ત્રણ દિવસ સુધી ગુપ્ત રીતે નજર રાખી આરોપીને કાબૂમાં લીધો. લાંબા સમયથી ઓળખ છુપાવીને રહેતા આરોપી વિરુદ્ધ અગાઉથી કોર્ટ દ્વારા પકડ વોરંટ પણ જારી કરવામાં આવ્યો હતો.
તપાસમાં સામે આવ્યું કે લાલસીંગ મૂળ ઉત્તર પ્રદેશના ઔરૈયા જિલ્લાના જોરા ગામનો રહેવાસી છે. વર્ષ 1998 દરમિયાન તે સુરતમાં લૂમ્સના કારખાનામાં મજૂરી કામ કરતો હતો અને પોતાના માલિકનો વિશ્વાસ જીત્યો હતો. જોકે બાદમાં તેણે માલિકની હીરો હોન્ડા મોટરસાયકલની ચોરી કરીને સુરત છોડ્યું અને સીધો દિલ્હીમાં જઈ વસ્યો. ધરપકડથી બચવા માટે તે સતત અલગ-અલગ વિસ્તારોમાં ભાડાના મકાનો બદલી પોતાની ઓળખ ગુપ્ત રાખતો હતો.
ક્રાઇમ બ્રાંચે આરોપીને સુરત લાવી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને આગળની તપાસ માટે તેનો કબ્જો ઉધના પોલીસ સ્ટેશનને સોંપવાની પ્રક્રિયા હાથ ધરી છે. હવે પોલીસ તપાસ કરશે કે ફરાર દરમિયાન આરોપી અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલો હતો કે નહીં. આ કાર્યવાહીથી વર્ષો જૂના કેસમાં મહત્વપૂર્ણ સફળતા મળી હોવાનું પોલીસનું માનવું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે