
- સવારે નોકરીએ ગયેલો કારેલીબાગનો યુવક રાત્રે ઘરે ન પહોંચતા પરિવાર ચિંતિત; હરણી પોલીસે તમામ એંગલથી તપાસ શરૂ કરી.
વડોદરા, 17 જુલાઈ (હિ.સ.) : વડોદરા શહેરના અમિતનગર સર્કલ નજીક પેટ્રોલ પંપ પાસે એક યુવકનો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. મૃતકની ઓળખ કારેલીબાગના આનંદનગર વિસ્તારમાં રહેતા યુવક તરીકે થઈ છે, જે સવારે નોકરી માટે ઘરેથી નીકળ્યો હતો પરંતુ રાત સુધી ઘરે પરત ફર્યો નહોતો.
પરિવારજનોએ યુવક ઘરે ન ફરતાં ચિંતા વ્યક્ત કરી હતી અને મિત્રો તથા સગા-સંબંધીઓ પાસે શોધખોળ શરૂ કરી હતી. જોકે, લાંબી શોધખોળ છતાં યુવકનો કોઈ પત્તો લાગ્યો નહોતો.
દરમિયાન અમિતનગર સર્કલ નજીક પેટ્રોલ પંપ પાસેથી યુવકનો મૃતદેહ મળી આવ્યાની જાણ થતાં હરણી પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને ઘટનાસ્થળેથી જરૂરી પુરાવાઓ એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાથમિક તબક્કે પોલીસે અકસ્માત, આત્મહત્યા અથવા અન્ય કોઈ સંજોગોમાં થયેલા મૃત્યુ સહિત તમામ શક્યતાઓને ધ્યાનમાં રાખીને તપાસ શરૂ કરી છે. હાલ મૃત્યુનું ચોક્કસ કારણ અકબંધ છે અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ તેમજ પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર ઘટનાની હકીકત સામે આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ