
જામનગર, 17 જુલાઈ (હિ.સ.) : જામનગરમાં સોશિયલ મીડિયા પર વ્યક્તિની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડે તેવી ટિપ્પણીઓ કરવાના મામલે જામનગરની અદાલતે, મહત્વપૂર્ણ આદેશ આપ્યો છે. અદાલતે પ્રાથમિક પુરાવાઓના આધારે ભારતીય દંડ સંહિતાની કલમ 500 હેઠળ ગુનો બને છે તેમ માની આરોપી સામે સમન્સ ઇસ્યુ કરવાનો હુકમ કર્યો છે.
ફરિયાદી હસમુખભાઈ છગનભાઈ રાઠોડે, જામનગરના અભયભાઈ પ્રિતમભાઈ ધોળકિયા સામે ખાનગી ફરિયાદ દાખલ કરી હતી. ફરિયાદમાં જણાવાયું હતું કે આરોપીએ પોતાના ફેસબુક એકાઉન્ટ પર ફરિયાદીની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડે તેવી અપમાનજનક અને બદનક્ષીજનક ટિપ્પણીઓ પોસ્ટ કરી હતી. તેમાં ફરિયાદીને સમાજવિરોધી તત્વો સાથે સાંકળતા અને તેમનાથી દૂર રહેવા જેવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેના કારણે ફરિયાદીની સામાજિક પ્રતિષ્ઠાને ગંભીર નુકસાન પહોંચ્યું હોવાનું રજૂ કરવામાં આવ્યું હતું.
આ ફરિયાદના આધારે અદાલતે પોલીસ તપાસનો આદેશ આપ્યો હતો. પોલીસે તપાસ પૂર્ણ કરીને અહેવાલ અદાલતમાં રજૂ કર્યો હતો. તપાસના અહેવાલ અને ઉપલબ્ધ દસ્તાવેજી પુરાવાના આધારે જામનગરના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટના કોર્ટે પ્રાથમિક દૃષ્ટિએ ભારતીય દંડ સંહિતાની કલમ 500 હેઠળનો ગુનો બનતો હોવાનું માની આરોપી અભયભાઈ પ્રીતમભાઈ ધોળકિયા સામે સમન્સ ઇસ્યુ કરવાનો હુકમ કર્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt