
પાટણ, 17 જુલાઈ (હિ.સ.) : ગુજરાત ATSએ આતંકવાદ વિરોધી અભિયાન હેઠળ સિદ્ધપુરમાંથી પ્રતિબંધિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા પાંચ શંકાસ્પદ આતંકીની ધરપકડ કરી છે. કડી કોર્ટે પાંચેય આરોપીના 8 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે.
આરોપીઓમાં બિલાલ આબિદભાઈ શેરા, મહંમદ અયુબ કડીવાલા, મોહમ્મદ પાલનપુરી ઉર્ફે ખળી અયુબ સુણસરા, શફિઅ રઇસ મુખી અને મોહમ્મદહસન હનીફભાઈ કરડીયાનો સમાવેશ થાય છે. અગાઉ ઝડપાયેલા 8 આરોપીની પૂછપરછ દરમિયાન મળેલી માહિતીના આધારે ATSએ આ કાર્યવાહી કરી હતી.
તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી બોમ્બ બનાવવા માટેનું જોખમી સાહિત્ય અને સામગ્રી મળી આવી હતી. તપાસમાં સામે આવ્યું કે મુખ્ય સૂત્રધાર મોહમ્મદ અમીન પાસેથી મળેલી સામગ્રી વડે મહંમદ અયુબ કડીવાલાએ ટાઇમ બોમ્બ બનાવવાનો પ્રયાસ કર્યો હતો, જે નિષ્ફળ રહ્યો હતો. બાદમાં આ સામગ્રી બિલાલ આબિદ શેખને પહોંચાડવામાં આવી હતી.
સરકારી વકીલે કોર્ટ સમક્ષ 13 મુદ્દાઓ રજૂ કરીને રિમાન્ડની માંગ કરી હતી. તેમાં બોમ્બ બનાવવાની સામગ્રીનો સ્ત્રોત, જેહાદી સાહિત્ય કોણે પૂરું પાડ્યું અને દેશવિરોધી પ્રવૃત્તિ માટેનું ભંડોળ તથા અન્ય સંડોવાયેલા લોકો અંગે તપાસ જરૂરી હોવાનું જણાવાયું હતું. કોર્ટએ દલીલો માન્ય રાખીને તમામ આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ