
સુરત, 17 જુલાઈ (હિ.સ.) : સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશને ઝડપી કાર્યવાહી કરીને એક મહિલાનો આશરે ₹6 લાખની કિંમતનો સોના-ચાંદીના દાગીના અને મોબાઈલ ફોન ધરાવતો થેલો સુરક્ષિત રીતે શોધી કાઢી પરત આપ્યો છે. સીતાનગર વિસ્તારમાં રહેતી દક્ષાબેન હિરેનભાઈ પોશીયા સવારે ઓટોરિક્ષામાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે તેમણે દાગીના અને મોબાઈલ ભરેલો થેલો રિક્ષામાં જ મૂકી દીધો હતો. લક્ષ્મણનગર ત્રણ રસ્તા પાસે ઉતર્યા બાદ ઉતાવળમાં થેલો સાથે લેવાનું રહી જતાં તેમને બાદમાં સામાન ગુમ થયાનો અહેસાસ થયો અને તેમણે તાત્કાલિક કાપોદ્રા પોલીસનો સંપર્ક કર્યો.
ફરિયાદ મળતાં જ પોલીસે વિલંબ કર્યા વગર તપાસ શરૂ કરી હતી. હ્યુમન ઇન્ટેલિજન્સ, ટેકનિકલ સર્વેલન્સ તેમજ ઘટનાસ્થળ અને આસપાસના સીસીટીવી ફૂટેજની મદદથી પોલીસે સંબંધિત ઓટોરિક્ષા અને તેના ચાલકને શોધી કાઢ્યા હતા. રિક્ષાની તપાસ દરમિયાન મહિલાનો થેલો અંદરથી મળી આવ્યો હતો. થેલો ખોલીને તપાસ કરતાં તેમાં રહેલા સોના-ચાંદીના દાગીના અને મોબાઈલ ફોન સહિતનો તમામ મુદ્દામાલ સહીસલામત મળી આવ્યો હતો.
જરૂરી ખરાઈ પૂર્ણ કર્યા બાદ પોલીસે તમામ મુદ્દામાલ મહિલાને પરત સોંપ્યો હતો. પોતાની કિંમતી વસ્તુઓ ઝડપથી પરત મળતાં દક્ષાબેને રાહત વ્યક્ત કરી હતી અને કાપોદ્રા પોલીસની સમયસરની કામગીરી માટે આભાર માન્યો હતો. આ સમગ્ર કામગીરી પી.આઈ. એમ.આર. સોલંકીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમે સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી, જે પોલીસની સતર્કતા અને સેવા ભાવનાનું વધુ એક ઉદાહરણ બની છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે