
કચ્છ, 17 જુલાઈ (હિ.સ.) : પૂર્વ કચ્છ જિલ્લામાં દારૂની હેરફેર અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલા અભિયાનને વધુ એક મોટી સફળતા મળી છે. ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચ (એલસીબી)એ ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરીને વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી દરમિયાન આરોપી કાર રસ્તા પર મૂકી અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો, જ્યારે પોલીસને સ્થળ પરથી કુલ ₹14.27 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં સફળતા મળી છે.
સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છના પોલીસ અધિક્ષક સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં પ્રોહિબિશન સંબંધિત ગુનાઓ પર કડક નજર રાખવામાં આવી રહી છે. તે અનુસંધાને એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ. વાળાના નેતૃત્વમાં ટીમ સતત પેટ્રોલિંગ અને બાતમીદારોના નેટવર્ક મારફતે ગેરકાયદેસર દારૂના વેપાર પર નજર રાખી રહી હતી.
આ દરમિયાન એલસીબીને માહિતી મળી હતી કે જીજે-08-એફએ-3488 નંબરની કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરી ભચાઉથી ગાંધીધામ તરફ લઈ જવાઈ રહ્યો છે. બાતમીના આધારે પોલીસે વરસાણા બ્રિજ નજીક વોચ ગોઠવી હતી. શંકાસ્પદ કાર ત્યાં પહોંચતા જ ચાલકે પોલીસને જોઈ વાહન રસ્તાની બાજુમાં ઉભું રાખ્યું અને સ્થળ પરથી ભાગી છૂટ્યો હતો.
પોલીસે કારની તપાસ કરતાં તેમાં વિવિધ બ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ 2,220 બોટલો મળી આવી હતી. જેમાં ગ્રીન લેબલ ધ રીચ બ્લેન્ડ વ્હિસ્કીની 750 એમએલની 252 બોટલો, 8 PM સ્પેશિયલ રેર વ્હિસ્કીની 180 એમએલની 1,536 બોટલો તેમજ ગ્રીન સ્પેશિયલ બ્લેન્ડ વ્હિસ્કીની 180 એમએલની 432 બોટલોનો સમાવેશ થાય છે. દારૂના જથ્થાની કિંમત ₹4.17 લાખથી વધુ હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત દારૂની હેરફેરમાં ઉપયોગમાં લેવાયેલી કાર અને એક મોબાઇલ ફોન સહિત કુલ ₹14,27,800નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે. સમગ્ર મામલે ભચાઉ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ફરાર આરોપીની ઓળખ કરી તેની ધરપકડ માટે તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. સમગ્ર કાર્યવાહી પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.જી. પટેલ તથા એલસીબીની ટીમે સફળતાપૂર્વક પાર પાડી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar