
કચ્છ, 17 જુલાઈ (હિ.સ.) : ભચાઉમાં ગેરકાયદે યુરીયા ખાતરના જથ્થા પર પોલીસનો દરોડો પાડવામાં આવ્યો છે અને આધાર પુરાવા વિના સંગ્રહ મામલે ત્રણ શખ્સ ઝડપાયા, ₹53 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
પૂર્વ કચ્છના ભચાઉ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે આધાર પુરાવા વગર યુરીયા ખાતરનો જથ્થો સંગ્રહ કરવામાં આવતો હોવાની બાતમીના આધારે ભચાઉ પોલીસે સફળ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે એક ગોડાઉન પર દરોડો પાડી ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા હતા. સ્થળ પરથી યુરીયા ખાતરની થેલીઓ ઉપરાંત મોબાઇલ ફોન મળી કુલ ₹53,088નો મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે સંબંધિત કાયદા હેઠળ વધુ તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી મુજબ પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા, પૂર્વ કચ્છના પોલીસ અધિક્ષક સાગર બાગમાર તેમજ ભચાઉ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં મિલકત અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે સતત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તે જ અભિયાનના ભાગરૂપે ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન મળેલી ચોક્કસ ખાનગી બાતમીના આધારે ભચાઉ ખાતે વેરાઈ કૂપા હોટલ નજીક આવેલા એક ગોડાઉન પર દરોડો પાડવામાં આવ્યો હતો.
પોલીસે સ્થળની તપાસ કરતાં ત્યાં આધાર પુરાવા વગર યુરીયા ખાતરની થેલીઓનો જથ્થો મળી આવ્યો હતો. પૂછપરછ દરમિયાન જરૂરી દસ્તાવેજો રજૂ કરવામાં નિષ્ફળ રહેતાં પોલીસે ત્રણેય વ્યક્તિઓને કાયદેસરની કાર્યવાહી હેઠળ કસ્ટડીમાં લીધા હતા. ઝડપાયેલા આરોપીઓમાં ભચાઉના રાજેન્દ્રસિંહ રઘુભા વાઘેલા તેમજ અંજારના હર્ષદ કમલેશભાઈ પંડયા અને શિવમ ધનજીભાઈ બાલાસરાનો સમાવેશ થાય છે.
દરોડા દરમિયાન પોલીસે કુલ 68 યુરીયા ખાતરની થેલીઓ તેમજ ત્રણ મોબાઇલ ફોન કબ્જે કર્યા હતા. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં મોબાઇલ ફોનની અંદાજિત કિંમત ₹35,000 અને યુરીયા ખાતરની કિંમત ₹18,088 હોવાનું નોંધાયું છે. આમ કુલ ₹53,088નો મુદ્દામાલ પોલીસે પોતાના કબ્જામાં લીધો છે.
ભચાઉ પોલીસ દ્વારા આરોપીઓ સામે જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને આ ખાતરનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો, તેનો ઉપયોગ કે વેચાણ ક્યાં થવાનું હતું તેમજ આ સમગ્ર મામલામાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં તે દિશામાં પણ તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે. પોલીસની આ કાર્યવાહીને કારણે ગેરકાયદેસર ખાતર સંગ્રહ અને વેચાણ કરતા તત્વોમાં ફફડાટ વ્યાપ્યો હોવાનું માનવામાં આવે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar