



કચ્છ, 17 જુલાઈ (હિ.સ.): કચ્છ જિલ્લામાં સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષકો માટે યોજાયેલા જિલ્લા આંતરિક બદલી કેમ્પનું આજે સફળ આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, ભુજ ખાતે યોજાયેલા આ કેમ્પમાં શિક્ષકોને તેમની પસંદગીના સ્થળે સેવા આપવાની તક મળતા શિક્ષણ જગતમાં ખુશીની લાગણી જોવા મળી હતી. કમિશનરશ્રી, શાળાઓની કચેરી, ગાંધીનગરની માર્ગદર્શિકા અનુસાર સમગ્ર પ્રક્રિયા પારદર્શક અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ કરવામાં આવી હતી.
જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમારની ઉપસ્થિતિમાં યોજાયેલા આ બદલી કેમ્પ દરમિયાન શિક્ષકોને નિયમો મુજબ પસંદગીની શાળાઓ ફાળવવામાં આવી હતી. મનગમતા સ્થળે બદલી મેળવનાર શિક્ષકોને અભિનંદન પાઠવતાં જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું કે શિક્ષકો માત્ર શાળા બદલતા નથી, પરંતુ નવી જવાબદારી સાથે વિદ્યાર્થીઓના ભવિષ્યના ઘડતરમાં મહત્વની ભૂમિકા ભજવવા જઈ રહ્યા છે. તેમણે તમામ શિક્ષકોને નવી શાળામાં સમર્પિત ભાવના સાથે ગુણવત્તાયુક્ત શિક્ષણ કાર્ય કરવાની અપીલ કરી હતી.
આ કેમ્પમાં માધ્યમિક વિભાગના કુલ ૩૧ શિક્ષકોમાંથી ૧૬ શિક્ષકોએ બદલી માટેનું સ્થળ સ્વીકાર્યું હતું, જ્યારે ૧૫ શિક્ષકોએ પોતાનો હક્ક જતો કર્યો હતો. બીજી તરફ ઉચ્ચતર માધ્યમિક વિભાગના કુલ ૩૩ શિક્ષકોમાંથી ૧૦ શિક્ષકોએ નવી નિમણૂક સ્વીકારી હતી અને ૨૩ શિક્ષકોએ બદલીનો લાભ લેવાનો ઇનકાર કર્યો હતો. સમગ્ર પ્રક્રિયા દરમિયાન શિક્ષકોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેના કારણે કેમ્પ શાંતિપૂર્ણ અને સરળતાથી પૂર્ણ થયો હતો.
બદલી મેળવનાર અનેક શિક્ષકોએ આ નિર્ણયને કચ્છી નવા વર્ષની યાદગાર અને અમૂલ્ય ભેટ સમાન ગણાવી જિલ્લા શિક્ષણાધિકારી કચેરી પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો. પોતાના પરિવાર અને સેવા સ્થળ વચ્ચેનું અંતર ઘટવાથી વધુ ઉત્સાહ સાથે શિક્ષણ કાર્ય કરી શકાશે તેવી લાગણી પણ શિક્ષકોએ વ્યક્ત કરી હતી.
કેમ્પના સફળ આયોજનમાં શિક્ષણ નિરીક્ષક પૃથ્વીરાજસિંહ ઝાલા, મહેશદાન ગઢવી, મદદનીશ શિક્ષણ નિરીક્ષક પરેશભાઈ અજાણી તથા હેડ ક્લાર્ક કૃણાલભાઈ મકવાણાએ મહત્વપૂર્ણ જવાબદારી નિભાવી હતી. ઉપરાંત શૈક્ષિક મહાસંઘના મુરજીભાઈ મીંઢાણી, અમોલભાઈ ધોળકિયા, બોર્ડ મેમ્બર દિવ્યરાજસિંહ જાડેજા, મેહુલભાઈ પરમાર તેમજ ઉમર ફારુક ખીરાની ઉપસ્થિતિએ સમગ્ર કાર્યક્રમને વધુ ગૌરવપૂર્ણ બનાવ્યો હતો. જિલ્લા શિક્ષણ તંત્ર દ્વારા પારદર્શિતા અને સુચારૂ આયોજન સાથે પૂર્ણ કરાયેલા આ બદલી કેમ્પને શિક્ષણ ક્ષેત્રે એક સકારાત્મક પહેલ તરીકે જોવામાં આવી રહ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar