

કચ્છ, 17 જુલાઈ (હિ.સ.) : ભુજ શહેરમાં રખડતા ઢોરની સમસ્યા ફરી એકવાર ચિંતાજનક રીતે સામે આવી છે. શહેરના વ્યસ્ત કંસારા બજારથી કાલિકા રિંગ રોડ વચ્ચે આજે સવારે બે આખલાઓ અચાનક સામસામે આવી જતાં જોરદાર બાખડ્યા હતા. રસ્તાના મધ્યમાં સર્જાયેલા આ દૃશ્યને કારણે થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વાહનચાલકોને પોતાના વાહનો રોકવાની ફરજ પડી હતી, જ્યારે રાહદારીઓ પણ ભયભીત થઈ સુરક્ષિત સ્થળે ખસી ગયા હતા. ઘટનાના કારણે થોડા સમય માટે ટ્રાફિકની અવરજવર પણ પ્રભાવિત થઈ હતી.
સ્થળ પર હાજર કેટલાક જાગૃત નાગરિકોએ બંને આખલાઓને અલગ પાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આક્રમક બનેલા ઢોરને કાબૂમાં લેવું સરળ ન હોવાથી પ્રયાસો સફળ રહ્યા નહોતા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ગંભીર ઈજાના સમાચાર સામે આવ્યા નથી, પરંતુ વ્યસ્ત વિસ્તારમાં આવી ઘટના બનતાં સ્થાનિકોમાં ચિંતા વધી છે.
આ બનાવ બાદ સ્થાનિક લોકોએ ભુજ નગરપાલિકાની રખડતા ઢોર પકડવાની કામગીરી અંગે ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે. નાગરિકોનું કહેવું છે કે શહેરના મુખ્ય માર્ગો, બજારો અને રહેણાંક વિસ્તારોમાં રખડતા ઢોર સતત જોવા મળે છે, જેના કારણે અકસ્માતોનું જોખમ દિવસેને દિવસે વધી રહ્યું છે. અનેક વખત રજૂઆતો છતાં સમસ્યાનું કાયમી નિરાકરણ આવતું ન હોવાનું પણ લોકોનું કહેવું છે.
ભુજ શહેરમાં અગાઉ પણ રખડતા ઢોરના કારણે અનેક દુર્ઘટનાઓ બની ચૂકી છે. કેટલાક લોકોએ જીવ ગુમાવ્યા છે તો અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા છે. અસ્થિભંગ સહિતની ઈજાઓના બનાવો બાદ પણ સમસ્યા યથાવત રહેતાં લોકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, વૃદ્ધો અને દ્વિચક્રી વાહનચાલકો માટે આ સ્થિતિ વધુ જોખમી માનવામાં આવે છે.
સ્થાનિક રહેવાસીઓએ તંત્રને અપીલ કરી છે કે માત્ર પ્રસંગોપાત કાર્યવાહી પૂરતી મર્યાદિત ન રહેતાં નિયમિત અને અસરકારક અભિયાન ચલાવવામાં આવે. શહેરમાં રખડતા ઢોરને પકડી યોગ્ય સ્થળે ખસેડવા, પશુપાલકો સામે જરૂરી કાર્યવાહી કરવા તેમજ જાહેર માર્ગો પર ઢોર મુક્ત વાતાવરણ ઉભું કરવા માટે સત્વરે કડક પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી છે. નાગરિકોનું માનવું છે કે સમયસર અને અસરકારક કામગીરી થશે તો જ ભવિષ્યમાં આવી જોખમી ઘટનાઓ અટકાવી શકાશે અને શહેરના લોકો વધુ સુરક્ષિત અનુભવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar