
ભુજ,17 જુલાઇ (હિ.સ.) કચ્છ જિલ્લામાં આરોગ્ય સેવાઓને સતત જાળવી રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા આઉટસોર્સ કર્મચારીઓ છેલ્લા ચાર મહિનાથી પગાર વિના ફરજ બજાવી રહ્યા હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. જિલ્લાના વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (PHC), સામૂહિક આરોગ્ય કેન્દ્રો (CHC) તેમજ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલોમાં ફરજ બજાવતા સેંકડો કર્મચારીઓ આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. લાંબા સમયથી વેતન ન મળતા કર્મચારીઓમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે અને હવે તેઓ સમગ્ર મામલે ઉચ્ચ અધિકારીઓ સમક્ષ રજૂઆત કરવાની તૈયારીમાં છે.
મળતી માહિતી અનુસાર ડી.આર. ઇન્ટરપ્રાઇઝ સહિત વિવિધ આઉટસોર્સ એજન્સીઓ હેઠળ કાર્યરત લેબ ટેક્નિશિયન, એક્સ-રે ટેક્નિશિયન, MPHW, FHW, વોર્ડ બોય, આયાબેન અને સ્વીપર જેવા કર્મચારીઓ ચાર મહિનાથી નિયમિત પગારથી વંચિત છે. આરોગ્ય સેવાઓ સતત ચાલુ રાખવા છતાં મહેનતાણું ન મળતા કર્મચારીઓ અને તેમના પરિવારો માટે દૈનિક જીવન ચલાવવું મુશ્કેલ બન્યું હોવાનું કર્મચારીઓ જણાવી રહ્યા છે.
કર્મચારીઓનો આક્ષેપ છે કે પગાર અંગે વારંવાર એજન્સીના જવાબદારોનો ટેલિફોનિક તેમજ રૂબરૂ સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ સંતોષકારક જવાબ મળતો નથી. કેટલાક કર્મચારીઓના જણાવ્યા મુજબ ફોન પણ ઉપાડવામાં આવતા નથી, જ્યારે કેટલાકને કામ કરવું હોય તો કરો, નહીં તો નોકરી છોડી દો જેવા અપમાનજનક જવાબો આપવામાં આવ્યા હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે. આ પ્રકારના વર્તનથી કર્મચારીઓમાં ભારે રોષની લાગણી વ્યાપી છે.
વેતનના અભાવે કર્મચારીઓના પરિવાર પર સીધી અસર પડી રહી છે. ઘરખર્ચ, રાશન, વીજળીના બિલ, બાળકોની શૈક્ષણિક ફી તેમજ મકાન અને વાહન લોનના EMI સમયસર ભરાઈ શકતા નથી. અનેક કર્મચારીઓના બેંક હપ્તા બાઉન્સ થયા હોવાનું સામે આવ્યું છે, જેના કારણે વધારાના દંડ અને આર્થિક બોજનો સામનો કરવો પડી રહ્યો છે.
આર્થિક સંકટનો સામનો કરી રહેલા કર્મચારીઓએ હવે પોતાની માંગણીઓ પણ સ્પષ્ટ કરી છે. તેઓ છેલ્લા ચાર મહિનાનો બાકી રહેલો પગાર વ્યાજ સહિત તાત્કાલિક ચૂકવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. ઉપરાંત દર મહિને નિશ્ચિત સમયમર્યાદામાં સીધા બેંક ખાતામાં પગાર જમા થાય તેવી પારદર્શક વ્યવસ્થા અમલમાં મૂકવાની માંગ પણ ઉઠી છે. સાથે જ કર્મચારીઓના હકોનું હનન કરતી અને ગેરરીતિના આક્ષેપોનો સામનો કરતી એજન્સીઓ સામે ઉચ્ચ સ્તરીય તપાસ કરાવી જરૂરી કાર્યવાહી કરવામાં આવે તથા જરૂરી જણાય તો આવા કોન્ટ્રાક્ટ રદ કરી જવાબદાર કંપનીઓને બ્લેકલિસ્ટ કરવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી રહી છે.
કચ્છમાં આરોગ્ય સેવાઓના પાયાના સ્તરે કાર્યરત આ કર્મચારીઓની સમસ્યા હવે માત્ર વેતનનો મુદ્દો ન રહી, પરંતુ આરોગ્ય તંત્રમાં આઉટસોર્સ વ્યવસ્થાની કાર્યપદ્ધતિ અને જવાબદારી અંગે પણ અનેક સવાલો ઉભા કરી રહી છે. હવે સંબંધિત તંત્ર આ મામલે શું નિર્ણય લે છે અને કર્મચારીઓને ક્યારે રાહત મળે છે તેના પર સૌની નજર મંડાઈ છે.
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar