કચ્છના વિકાસકાર્યોમાં ગુણવત્તા અને પારદર્શિતા પર ભાર: પ્રભારીમંત્રી કાંતિલાલ અમૃતિયાની જિલ્લા પંચાયતમાં કડક સમીક્ષા બેઠક
કચ્છ, 17 જુલાઈ (હિ.સ.) : ભુજ ખાતે જિલ્લા પંચાયત કચેરીમાં પ્રભારીમંત્રી તથા શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાની અધ્યક્ષતામાં જિલ્લાના વિકાસકાર્યોની વ્યાપક સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લા પંચાયતના ચૂંટાયેલા પદાધિકારીઓ,
પ્રભારી મંત્રીએ કરી સમીક્ષા બેઠક


પ્રભારી મંત્રીએ કરી સમીક્ષા બેઠક


પ્રભારી મંત્રીએ કરી સમીક્ષા બેઠક


પ્રભારી મંત્રીએ કરી સમીક્ષા બેઠક


કચ્છ, 17 જુલાઈ (હિ.સ.) : ભુજ ખાતે જિલ્લા પંચાયત કચેરીમાં પ્રભારીમંત્રી તથા શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાની અધ્યક્ષતામાં જિલ્લાના વિકાસકાર્યોની વ્યાપક સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લા પંચાયતના ચૂંટાયેલા પદાધિકારીઓ, ધારાસભ્યો, અધિકારીઓ અને વિવિધ સમિતિના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

બેઠક દરમિયાન જિલ્લાના વિકાસકાર્યોની ગતિ, ગ્રાન્ટના ઉપયોગ, ગુણવત્તા, મહેકમની સ્થિતિ તેમજ શિક્ષણ, આરોગ્ય અને આંગણવાડી સેવાઓ સહિતના વિવિધ મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.

પ્રભારીમંત્રીશ્રીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવતી ગ્રાન્ટનો સમયસર અને સંપૂર્ણ ઉપયોગ થવો જોઈએ તેમજ વિકાસકાર્યોમાં કોઈપણ પ્રકારની ગુણવત્તાની સમજૂતી સ્વીકાર્ય નહીં બને. તેમણે અધિકારીઓને પારદર્શક વહીવટ સુનિશ્ચિત કરવા સૂચના આપતાં જિલ્લા પંચાયતના તમામ વિભાગોની બહાર ફરિયાદ પેટી મૂકવા, વિકાસકાર્યો માટે બજારભાવ મુજબ ખર્ચ કરવાની વ્યવસ્થા ગોઠવવા તેમજ યોજનાઓનું અસરકારક વાર્ષિક આયોજન તૈયાર કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. સાથે જ જિલ્લા અને તાલુકા સ્તરે વિકાસ ડાયરી તૈયાર કરીને, દરેક કામગીરીનું નિયમિત મોનિટરિંગ કરવાની પણ સૂચના આપી હતી.

બેઠક દરમિયાન જિલ્લા પંચાયતના હોદ્દેદારોએ મહેકમની ખાલી જગ્યાઓ, શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રની સમસ્યાઓ તથા આંગણવાડી સેવાઓને વધુ અસરકારક બનાવવા અંગે વિવિધ રજૂઆતો કરી હતી. રજૂ થયેલા પ્રશ્નોના નિરાકરણ માટે પ્રભારીમંત્રીશ્રીએ જિલ્લા વિકાસ અધિકારીને જરૂરી પગલાં ભરવા માર્ગદર્શન આપ્યું હતું.

આ પ્રસંગે સાંસદ વિનોદભાઈ ચાવડાએ જિલ્લામાં કર્મચારીની અછત દૂર કરવા માટે રાજ્ય સરકારની મંજૂરીથી જિલ્લા પંચાયત સ્તરે સ્થાનિક ભરતી શરૂ કરવાની દરખાસ્ત રજૂ કરી હતી. તેમણે વિકાસકાર્યો નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ થાય તે માટે આગોતરું આયોજન કરવાની પણ ભલામણ કરી હતી.

જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમે વિવિધ વિભાગોની કામગીરી, આંતરિક બદલીની પ્રક્રિયા અને મહેકમની ખાલી જગ્યાઓ અંગે વિસ્તૃત માહિતી રજૂ કરી હતી. બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ પ્રભાબેન હુણ, ઉપપ્રમુખ મહાવીરસિંહ જાડેજા, વિવિધ ધારાસભ્યો, ગાંધીધામ મહાનગરપાલિકાના મેયર દિવ્યાબેન નાથાણી સહિત જિલ્લા પંચાયતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહી વિકાસલક્ષી મુદ્દાઓ પર વિચારવિમર્શ કર્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande