
બોટાદ,17 જુલાઈ (હિ.સ.) બોટાદ તાલુકાના કેરીયા નં.૧ ગ્રામ પંચાયત દ્વારા સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત સ્વચ્છતા અંગે જનજાગૃતિ ફેલાવવા માટે અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે. ગ્રામ પંચાયતની આસપાસ તેમજ જાહેર સ્થળોની દિવાલો પર આકર્ષક અને સંદેશાત્મક ભીંતચિત્રો દોરી ગ્રામજનોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
આ ભીંતચિત્રોમાં સ્વચ્છ ગામ, સ્વસ્થ જીવન, કચરો યોગ્ય જગ્યાએ નાખવો, પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ, ઘર અને ગામની સ્વચ્છતા જાળવવી, વૃક્ષારોપણ તથા પર્યાવરણ સંરક્ષણ જેવા મહત્વપૂર્ણ સંદેશોને સુંદર રીતે રજૂ કરવામાં આવ્યા છે. રંગબેરંગી ચિત્રો અને સરળ ભાષામાં લખાયેલા સંદેશાઓ લોકોને સહેલાઈથી સમજાય અને સ્વચ્છતા અભિયાન સાથે જોડાવા પ્રેરણા મળે તે રીતે તૈયાર કરવામાં આવ્યા છે. સ્વચ્છતા માત્ર સરકારી યોજના નહીં પરંતુ દરેક નાગરિકની સામૂહિક જવાબદારી છે. આવા ભીંતચિત્રો લોકોમાં જાગૃતિ લાવવાની સાથે ગામને સ્વચ્છ, સુંદર અને આરોગ્યપ્રદ બનાવવા માટે સતત પ્રેરણા આપશે.સ્થાનિક ગ્રામજનોએ પણ આ પહેલને આવકારી હતી અને જણાવ્યું હતું કે ભીંતચિત્રો ગામની સુંદરતામાં વધારો કરવાની સાથે બાળકો અને યુવાનોમાં પણ સ્વચ્છતા અંગે સકારાત્મક વિચારસરણી વિકસાવવામાં મદદરૂપ બનશે.
સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત કેરીયા નં.1 ગ્રામ પંચાયતની આ પહેલ અન્ય ગ્રામ પંચાયતો માટે પણ પ્રેરણારૂપ બની રહી છે. સ્વચ્છતા પ્રત્યે લોકોમાં સતત જાગૃતિ જળવાઈ રહે અને સ્વચ્છ, હરિયાળું તથા આદર્શ ગામનું નિર્માણ થાય તે દિશામાં આ પ્રયાસ મહત્વપૂર્ણ સાબિત થશે.
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA