મેડિકલ પ્રવેશ પરીક્ષા નીટ UG માં અમદાવાદ સેન્ટરમાંથી ત્રણ વિદ્યાર્થી ટોપ-30માં
અમદાવાદ, 17 જુલાઇ (હિ.સ.) : દેશની સૌથી મોટી મેડિકલ પ્રવેશ પરીક્ષા અગાઉ પેપર લીક થવાના કારણે પરીક્ષા રદ કરી કરી ફરી લેવામાં આવી હતી તેનું NEET UG 2026નું પરિણામ ગુરુવારે જાહેર કરવામાં આવ્યું હતું. ગત 21 જૂને ફરીથી પરીક્ષા લેવામાં આવી હતી. પરીક્ષા મા
NEET UG medical entrance exam


અમદાવાદ, 17 જુલાઇ (હિ.સ.) : દેશની સૌથી મોટી મેડિકલ પ્રવેશ પરીક્ષા અગાઉ પેપર લીક થવાના કારણે પરીક્ષા રદ કરી કરી ફરી લેવામાં આવી હતી તેનું NEET UG 2026નું પરિણામ ગુરુવારે જાહેર કરવામાં આવ્યું હતું. ગત 21 જૂને ફરીથી પરીક્ષા લેવામાં આવી હતી. પરીક્ષા માટે 88,022 વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાંથી રાજ્યના 86,410 વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી.

આ વર્ષે દેશભરમાં અંદાજે 20 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 11.21 લાખ વિદ્યાર્થીઓ પાસ થયા છે.

ગુજરાતમાં અમદાવાદ સેન્ટરમાંથી ત્રણ વિદ્યાર્થીએ ટોપ-30માં સ્થાન મેળવ્યું છે. જેમાંથી એક વિદ્યાર્થીએ તો EWS કેટેગરીમાં દેશમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. ટોપ-30માં સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, રી-નીટની પરીક્ષાના કારણે ફાયદો થયો છે. બીજી વખત પરીક્ષા લેવાઈ તેમાં પેપર સરળ હતું.

નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા જાહેર કરાયેલા NEET UG 2026ના પરિણામમાં ગુજરાતના ત્રણ વિદ્યાર્થીઓએ શાનદાર પ્રદર્શન કરી ઓલ ઇન્ડિયા રેન્કના ટોપ 30માં સ્થાન મેળવ્યું છે. અમદાવાદ સેન્ટર પરથી પરીક્ષા આપનાર તહા સેમૂન ભાટિયાએ ઓલ ઈન્ડિયામાં 25 રેન્ક મેળવ્યો છે. જ્યારે સમગ્ર દેશમાં EWS કેટેગરીમાં ઓલ ઈન્ડિયા પ્રથમ સ્થાન મેળવ્યું છે. જ્યારે શૌર્ય પટેલે 700 માર્ક્સ સાથે ઓલ ઈન્ડિયાનો 26મો રેન્ક મેળવ્યો છે. તો અક્ષિત ગૌરે પણ 700 માર્ક્સ સાથે ઓલ ઈન્ડિયા 30મો રેન્ક મેળવ્યો છે.

ઓલ ઈન્ડિયા 26મો રેન્ક મેળવનાર શૌર્ય પટેલે જણાવ્યું હતું કે, દરરોજ જે પણ હોમવર્ક આપવામાં આવતું હતું તેના આધારે તૈયારી કરતો હતો. જે ક્લાસમાં નોટ્સ આપવામાં આવતા હતા તેના આધારે તૈયારી કરતો હતો. કલાકો ગણ્યા વગર દરરોજ જે કન્ટેન્ટ હોય તેના આધારે જ તૈયારી કરતો હતો. મને RE-NEETની પરીક્ષાના કારણે ફાયદો થયો છે. કારણ કે બીજી વખત પરીક્ષા લેવાઈ તેમાં પેપર સરળ રહ્યું હતું. જેના કારણે પરિણામમાં અસર છે. AIIMS દિલ્હીમાં એડમિશન મળી જાય તો પહેલા ત્યાં લઈશ.

ઓલ ઈન્ડિયા 30મો રેન્ક મેળવનાર અક્ષિત ગૌરે જણાવ્યું હતું કે, દરરોજ 10થી 11 કલાક પરીક્ષા માટેની તૈયારી કરી હતી. રિવિઝનમાં સૌથી વધુ ફોકસ કર્યું હતું. અગાઉ પહેલી જે પરીક્ષા આપી હતી. તેમાં મારા માર્કસ સારા હતા પરંતુ રેન્ક ખરાબ જઈ રહ્યો હતો. પરંતુ RE-NEETના કારણે ઘણો ફાયદો થયો છે. તેના કારણે રેન્ક પણ સુધર્યો છે. મારા પિતાજી અત્યારે એરફોર્સમાં છે. AIIMS દિલ્હીમાં એડમિશન મળી જાય તેવી આશા છે.

ઓલ ઈન્ડિયા 43મો રેન્ક મેળવનાર હિયા વસાવડાએ જણાવ્યું હતું કે, મે વર્ષ સુધી પરીક્ષા માટે ખૂબ મહેનત કરી હતી. પરિવારનો પણ ખૂબ સપોર્ટ રહ્યો હતો અને તે લોકો દરેક પરિસ્થિતિમાં મારી સાથે હતા. જ્યારે RE-NEET પરીક્ષાની જાહેરાત કરવામાં આવતા થોડો ડર લાગી રહ્યો હતો. ફરીથી પરીક્ષા કેવી રીતે જશે? અગાઉ પેપર સારું ગયું તેવું જશે કે નહીં તેવો ડર લાગી રહ્યો હતો. પરંતુ પરિવારે ખૂબ સપોર્ટ કર્યો હોવાથી બીજી વખત પણ પરીક્ષા ખૂબ સારી ગઈ હતી. અવારનવાર રિવિઝન કરવાથી કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય છે. બીજી વખત પરીક્ષા આપતા સમયે ડર લાગતો હતો. પરંતુ પરિવારના સપોર્ટમાં કારણે ઘણો ફાયદો થયો છે.

સૌરાષ્ટ્ર જામનગરના વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીએ બાજી મારી છે. જામનગરના મિહિર પટેલએ 720માંથી 690 માર્ક્સ મેળવી પ્રથમ ક્રમ મેળવ્યો છે. જ્યારે બીજા નંબરે જામનગરની જ વિદ્યાર્થિની મિશ્વા રામાણીએ 681 માર્ક્સ પ્રાપ્ત કર્યા છે. જ્યારે રાજકોટમાં પ્રથમ ક્રમે 675 માર્ક્સ સાથે પ્રશિલ મકવાણા અને બીજા ક્રમે કેવલ ટાંકએ 673 માર્ક્સ પ્રાપ્ત કર્યા છે. ઉલ્લેખનીય છે કે જામનગરના મિહિર પટેલ ઓલ ઇન્ડિયામાં 114માં ક્રમે ઉતીર્ણ થયા છે. જ્યારે મિશ્વા રામાણી ઓલ ઈન્ડિયામાં 247માં ક્રમે ઉતીર્ણ થયા છે.

આ જ પરિણામમાં પંજાબના આર્યન ગુપ્તા અને હરિયાણાના પંશુલ બંસલે 715 માર્ક્સ સાથે ઓલ ઈન્ડિયા ટોપર બનવાનો ગૌરવ મેળવ્યો છે. આ વર્ષે પણ પરિણામમાં વિદ્યાર્થીનીઓનું પ્રદર્શન નોંધપાત્ર રહ્યું છે. કુલ ક્વોલિફાઈ થયેલા ઉમેદવારોમાં 58 ટકા વિદ્યાર્થીનીઓ છે, જે વિદ્યાર્થીઓની સરખામણીએ વધુ છે. આ વર્ષે 19 વિદ્યાર્થીઓએ 700થી વધુ માર્ક્સ મેળવ્યા છે. જ્યારે 138 વિદ્યાર્થીઓએ 690થી વધુ અને 1,492 વિદ્યાર્થીઓએ 650થી વધુ માર્ક્સ મેળવી સારું પ્રદર્શન કર્યું છે.

ક્વોલીફાઈ થનાર વિદ્યાર્થીઓ માટે આ પરિણામ હવે MBBS, BDS અન્ય મેડિકલ કોર્સમાં પ્રવેશનો માર્ગ મોકળો બનશે. પરિણામ જાહેર થતાં હવે ઉમેદવારો માટે ઓલ ઈન્ડિયા કાઉન્સેલિંગ અને રાજ્ય કક્ષાની કાઉન્સેલિંગ પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવશે. જેમાં વિદ્યાર્થીઓ તેમની રેન્ક અને કેટેગરી મુજબ મેડિકલ કોલેજોની પસંદગી કરી શકશે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande