જામનગરમાં યુવતી ગુમ થવા મામલે પૂછપરછ કરવા ગયેલા માતા-પિતા પર હુમલો
જામનગર, 17 જુલાઈ (હિ.સ.) : જામનગર શહેરમાં 19 વર્ષીય યુવતી ગુમ થઈ જવાના મામલે એક યુવક પર શંકા રાખી તેના ઘરે પૂછપરછ કરવા ગયેલા યુવતીના માતા-પિતા સાથે મારામારી કરી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે યુવકની માતા અને
ફરિયાદ


જામનગર, 17 જુલાઈ (હિ.સ.) : જામનગર શહેરમાં 19 વર્ષીય યુવતી ગુમ થઈ જવાના મામલે એક યુવક પર શંકા રાખી તેના ઘરે પૂછપરછ કરવા ગયેલા યુવતીના માતા-પિતા સાથે મારામારી કરી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે યુવકની માતા અને બહેન સામે સીટી સી-ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.

પોલીસ ફરિયાદની વિગતો મુજબ, ગોકુલનગર વિસ્તારમાં રડાર ગેટ પાસે મારુતિનગર શેરી નં.6માં રહેતા પાનીબેન નામની મહિલાની 19 વર્ષીય પુત્રી ગત તા.15 જુલાઈના સાંજે આશરે ચાર વાગ્યે પાડોશમાં જવાનું કહી ઘરેથી નીકળી હતી. જોકે, લાંબો સમય વીતી જવા છતાં યુવતી ઘરે પરત ન ફરતાં પરિવારજનોએ આસપાસના વિસ્તારોમાં તેની શોધખોળ હાથ ધરી હતી, પરંતુ કોઈ ભાળ મળી નહોતી.

ફરિયાદી પાનીબેનને શંકા હતી કે તેમની પુત્રી શંકરટેકરીના સુભાષપરા વિસ્તારમાં રહેતા અમિત ભરતભાઈ ગતર નામના યુવક સાથે જતી રહી છે. જેથી પાનીબેન અને તેમના પતિ પુત્રી અંગે પૂછપરછ કરવા અમિતના ઘરે પહોંચ્યા હતા.

ફરિયાદ મુજબ, અમિતના ઘરે તેની માતા ભાવનાબેન ભરતભાઈ ગતર અને બહેન ઢબુબેન હાજર હતાં. પાનીબેને અમિત અંગે પૂછપરછ કરી તેમની પુત્રીને ભગાડી ગયો હોવાનો આક્ષેપ કરતાં બંને મહિલાઓ ઉશ્કેરાઈ ગઈ હતી. ત્યારબાદ ફરિયાદી દંપતી સાથે ઝપાઝપી કરી ગાળો આપી ઢીકા-પાટુનો માર મારવામાં આવ્યો હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત, “ફરીથી અમારા ઘરે આવશો તો જાનથી મારી નાખીશું” તેવી ધમકી પણ આપવામાં આવી હોવાનું જણાવાયું છે. બનાવ સમયે આસપાસના લોકો એકઠા થઈ જતાં ફરિયાદી દંપતી ત્યાંથી નીકળી ગયું હતું. આ બનાવ અંગે પાનીબેને ભાવનાબેન ગતર અને ઢબુબેન ગતર સામે સીટી સી-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 115(2), 352, 351(3) અને 54 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande